ગુરુવારના રોજ ભાજપ દ્વારા 6 મનપાની યાદી જાહેર કરાયા બાદ ભાજપમાં ઘણા પૂર્વ કોર્પોરેટરોની ટીકીટ કપાતા રોષ જોવા મળી રહ્યો છે. જયારે જામનગરમાં પણ અસંતોષ જોવા મળતા ડેપ્યુટી મેયર સહિત ત્રણે રાજીનામાં આપ્યા છે. જામનગરના વોર્ડ નં-5ના પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર કરશનભાઈ કરમુર, વોર્ડ નં-7ના પૂર્વ કોર્પોરેટર મિતલબેન ફળદુ તથા વર્ષ 2010-15ની ટર્મમાં વોર્ડ નં-6 માંથી ચૂંટાયેલ પૂર્વ કોર્પોરેટર અને જામનગર શહેર ઉપપ્રમુખ જ્યોતિબેન ભારવાડિયાએ ભાજપ પક્ષમાંથી રાજીનામાં આપી દીધા છે.
છેલ્લી 5 ટર્મથી ચૂંટાતા કરશન કરમૂર પાર્લામેન્ટરી બોર્ડના નિયમનો ભોગ બનતા નારાજ થયા છે. જેને લઇને કરશન કરમૂરેએ શહેર ભાજપ પ્રમુખને પોતાનું રાજીનામું સોંપ્યું છે. જ્યારે બીજી તરફ શહેરના વોર્ડ નં. 10માં ભાજપ દ્વારા પૂર્વ મેયરના પુત્રને ટિકિટ આપવાની જાહેરાત કરતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. જયારે વોર્ડ નં 7 ના પૂર્વ કોર્પોરેટર મીતલબેન ફળદુએ ભાજપ માંથી રાજીનામું આપી સોશિયલ મડિયાના માધ્યમ મારફતે જાહેરાત કરી છે કે તેઓ વોર્ડ નં-7 માંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાના છે. જયારે જ્યોતિબેન ભારવડીયા અને તેના પતિ ડાડુભાઈ ભારવાડિયા 30 વર્ષથી ભાજપ પક્ષ સાથે સંકળાયેલા હતા અને તેઓએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.