દેશમાં કોરોનાની રસી આપવાની ઝડપ હવે અપેક્ષા કરતાં અડધી થઈ ગઈ છે. 31 જાન્યુઆરી સુધીનું આ કુલ 39.5 લાખ હેલ્થ વર્કરને રસી અપાઈ છે જે કુલ લક્ષ્યના 42.7 ટકા છે. હકીકતમાં 31 જાન્યુઆરી સુધી તમામ 92.6 લાખ હેલ્થ વર્કરને જ્યારે ફેબ્રુઆરીના અંત સુધીમાં તમામ 3 કરોડ હેલ્થ ફ્રન્ટલાઈનવર્કરને રસી આપવાનું લક્ષ્ય હતું. રસીકરણમાં મ.પ્ર. સૌથી આગળ છે. અહીં 69.4 ટકા હેલ્થ વર્કરને રસી અપાઈ ચૂકી છે. તેલંગાણા અને રાજસ્થાન અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે.
બીજી બાજુ દિલ્હી, છત્તીસગઢ, પંજાબ અને મહારાષ્ટ્રમાં સૌથી ધીમે રસી અપાઈ રહી છે. અત્યાર સુધીમાં માત્ર 8 રાજ્ય એવા છે કે જ્યાં અડધાથી વધુ હેલ્થવર્કરને રસી અપાઈ છે. 8 રાજ્યો એવા છે કે જ્યાં અત્યાર સુધીમાં 20% હેલ્થ વર્કરને પણ રસી આપી શકાઈ નથી. ગુજરાત 7મા ક્રમે છે.
ભારતમાં 16 જાન્યુઆરીથી રસીકરણની શરૂઆત થઈ. ત્યારે એવું કહેવાયું હતું કે ફેબ્રુઆરીના અંત સુધીમાં એટલે કે કુલ 44 દિવસમાં 3 કરોડ રસી આપવાનું લક્ષ્ય છે. આ માટે રોજ 6.82 લાખ રસી આપવી જરૂરી હતી. જ્યારે અત્યાર સુધી રોજની સરેરાશ 2.32 લાખની છે આથી હવે જો ફેબ્રુઆરીમાં 3 કરોડનું લક્ષ્યાંક પાર પાડવું હોય તો 27 દિવસમાં રોજ 9.6 લાખ રસી આપવાની રહેશે. છેલ્લા બે મહિનાથી 60 દેશ ભારત સરકાર પાસે રસી માગી ચૂક્યા છે તેમાંથી 17 દેશને 31 જાન્યુઆરી સુધીમાં 64 લાખ રસીના ડોઝ મોકલી અપાઈ છે.