સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપમાં ઉમેદવાર પસંદગી સંદર્ભે અગાઉ નક્કી કરેલા ધારા ધોરણોના કારણે વિવાદ ઉભો જ હતો ત્યારે હવે વોર્ડ મહામંત્રીઓને ચૂંટણી નહીં લડવાનું ફરમાન થતા કાર્યકરોમાં આંતરિક વિરોધ ઉભો થયો છે. જ્યારે નેતાઓમાં નારાજગી વ્યાપી છે. ભાજપના નારાજ નેતાઓમાં ગણગણાટ ઉભો થયો છે કે,સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે એક તરફ પાર્ટીને વફાદાર અને વર્ષો જૂના કાર્યકર્તાઓને ટીકીટ આપવાની વાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા કરવામાં આવી હતી. જે બાદ પાર્ટી દ્વારા કેટલાક ધારા ધોરણો ઉમેદવારને પસંદ કરવા માટે નક્કી કરવામાં આવ્યા હતા જેમાં હવે વધુ એક ધારા ધોરણનો ઉમેરો થતા વોર્ડ લેવલે કાર્યકર્તાઓ નારાજ થયા છે અને આંતરિક રીતે ચર્ચા કરી રહ્યા છે કે જે જૂનો કાર્યકર્તા હોય અને વર્ષો સુધી એક વોર્ડમાં કામ કરતો હોય તેને જે તે વોર્ડમાં પ્રમુખ કે મહામંત્રી બનાવવામાં આવતો હોય છે જે ચૂંટાયેલા પદાધિકારી અને સંગઠન વચ્ચે સંકલન કરી ચલાવતો હોય છે હવે આવા જૂના અને અનુભવીને ટીકીટ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે. જે પાર્ટીનું કામ કરે છે તેને જ ટીકીટ નહીં આપવાની તો શું જે ચૂંટાયેલા હોય તેને જ ટીકીટ આપવાની કે પછી નવા આવેલા હોય અને પાર્ટીના કોઈ હોદ્દા પર ના હોય તેને જ ટીકીટ આપવાની? જો આ જ સ્થિતિ હોય તો વર્ષો સુધી પાર્ટી સાથે રહીને કામગીરી કરી તો તેની કામગીરીને બિરદાવીને ટીકીટ આપવાની કે તેને ચૂંટણી નહિ લડવા ફરમાન કરવાનું ? આમ સંગઠન દ્વારા કરવામાં આવેલા ફરમાનને લઈને સ્થાનિક સ્તરે ભારે નારાજગી ફેલાઈ છે.