Friday, January 16, 2026
Homeરાજ્યજામનગરબેન્કખાતાની કિટ કમિશનથી પૂરી પાડતી સિન્ડિકેટનો પર્દાફાશ - VIDEO

બેન્કખાતાની કિટ કમિશનથી પૂરી પાડતી સિન્ડિકેટનો પર્દાફાશ – VIDEO

સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ચાર આરોપીની ધરપકડ : નાશી ગયેલા એક આરોપીની શોધખોળ : મુખ્ય સૂત્રધાર રાજસ્થાનનો વતની : ફિલિપાઇન્સથી ગેંગનું સંચાલન

હાલના સમયમાં ઓનલાઈન આર્થિક ઠગાઈના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં નિર્દોષ લોકો પાસેથી અલગ અલગ રીતે નાણાં હડપ કરવામાં આવી રહ્યા છે. આવા સંજોગોમાં જિલ્લા પોલીસવડા જામનગરના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, જામનગર દ્વારા ઓનલાઈન ઠગાઈ માટે બેંક ખાતાની કિટ ઉપલબ્ધ કરાવતા એક ગેરકાયદેસર સિન્ડિકેટ સામે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

- Advertisement -

આ તપાસ દરમ્યાન બહાર આવ્યું છે કે, આરોપીઓએ અલગ અલગ વ્યક્તિઓના નામે વિવિધ બેંકોમાં ખાતાં ખોલાવી, તે ખાતાની પાસબુક, ચેકબુક, ડેબિટ કાર્ડ, એટીએમ કાર્ડ તેમજ ઓનલાઈન બેંકિંગ એક્સેસ સહિતની એકાઉન્ટ કિટ કમિશનથી મેળવી હતી. આ કિટોનો ઉપયોગ સાયબર ફ્રોડ આચરવા માટે કરવામાં આવતો હતો અને દરેક બેંક ખાતાદીઠ જુદી જુદી રકમનું કમિશન મેળવી આરોપીઓ ગેરકાયદેસર આર્થિક લાભ મેળવી રહ્યા હતા. તેમજ આ સિન્ડિકેટનો મુખ્ય સૂત્રધાર રાજ ચંપાવત છે. જે મૂળ વતની રાજસ્થાનનો છે અને હાલ ફીલીપાઇન્સ ખાતે રહી પોતાની ગેંગને સંચાલિત કરતો હતો. તે અન્ય સાગરિતો સાથે મળી અલગ અલગ લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી કરી નાણાં મેળવતો હતો. આરોપીઓ જાણતા હતા કે આ નાણાં ઠગાઈના છે, તેમ છતાં તેને સગેવગે કરી પોતાના અંગત ઉપયોગ માટે વાપરતા હતા.

- Advertisement -

જામનગર સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ટેક્નિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતા જામનગર ખાતેથી ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓની ધરપકડ સમયે તેમની પાસેથી રૂપિયા પાંચ લાખ રોકડ તેમજ બેંક ખાતાઓને લગતું મહત્વપૂર્ણ સાહિત્ય અને અન્ય સાધનો કબજે કરવામાં આવ્યા છે. આ સમગ્ર બાબતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, જામનગર ખાતે ગુના નં. 112020582500002/2026 નોંધવામાં આવ્યો છે. આ ગુનામાં ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 317(2), 318(4), 61(2) તેમજ ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ-2000 ની કલમ 66(ઉ) મુજબ ગુનો દાખલ કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પકડાયેલ આરોપીઓમાં હરદેવસિંહ લખુભા કેર (ઉંમર 27 વર્ષ રહે નાના થાવરીયા ગામ તાલુકો અને જિલ્લા જામનગર), લલીતભાઇ રમેશભાઇ સાંગાણી (ઉંમર 31 વર્ષ રહે જ્યોત પાર્ક શેરી નંબર 1 રાધે પાનની બાજુમાં જામનગર), મહમદહનીફભાઇ સુલેમાનભાઇ મોડા (ઉંમર 25 વર્ષ રહે સતગુરુ સોસાયટી ધરાનગર-1 ગરીબનગર પાણાખાણ જામનગર) તથા હર્ષભાઇ અનીલભાઇ જોઇસર (ઉંમર 30 વર્ષ રહે ખંભાળીયા નાકા બહાર ન્યુ સ્કૂલ પાછળ ગોપાલ ભુવનનો ડેલો જામનગર) નામના ચાર આરોપીઓની પૂછપરછ આરંભી હતી.

- Advertisement -

આ ગુનામાં રાજ ચંપાવત મૂળ વતની રાજસ્થાન અને હાલ ફીલીપાઇન્સ ખાતે રહેતો હોવાને કારણે ફરાર છે અને તેની શોધખોળ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. સાથે સાથે આ સિન્ડિકેટ સાથે સંકળાયેલા અન્ય ઇસમોની સંડોવણી અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

આરોપીઓ પાસેથી કુલ અગિયાર પાસબુક અને ચેકબુક, નવ એટીએમ કાર્ડ, ચાર મોબાઇલ ફોન તથા રૂપિયા પાંચ લાખ રોકડ કબ્જે કરવામાં આવ્યા છે. સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા લોકોને ઓનલાઈન ઠગાઈથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે અને કોઈ પણ શંકાસ્પદ લેવડદેવડ થાય તો તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર સંપર્ક કરવા જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular