Thursday, December 18, 2025
Homeરાજ્યજામનગરજેસીબીની બેદરકારીથી જી.જી. હોસ્પિટલમાં જૂની બિલ્ડીંગ તોડતી વખતે વીજ પુરવઠો ખોરવાતા, એક્સ-રે, સોનોગ્રાફી...

જેસીબીની બેદરકારીથી જી.જી. હોસ્પિટલમાં જૂની બિલ્ડીંગ તોડતી વખતે વીજ પુરવઠો ખોરવાતા, એક્સ-રે, સોનોગ્રાફી સેવાઓ ઠપ્પ, દર્દીઓ પરેશાન – VIDEO

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે ચાલી રહેલી જૂની બિલ્ડીંગ તોડવાની કામગીરી દરમિયાન બુધવારના સવારના સમયે બેદરકારી સામે આવી છે. તોડકામ દરમિયાન જેસીબી મશીન દ્વારા ખોદકામ કરવામાં આવતા અચાનક અંડરગ્રાઉન્ડ કેબલ વાયરને નુકસાન પહોંચ્યું હતું, જેના કારણે હોસ્પિટલના કેટલાક વિભાગોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

- Advertisement -

વીજળી બંધ થવાના કારણે હોસ્પિટલની મહત્વપૂર્ણ આરોગ્ય સેવાઓ પર અસર જોવા મળી હતી. ખાસ કરીને એક્સ-રે અને સોનોગ્રાફી જેવી જરૂરી તપાસ સેવાઓ બંધ થવાથી હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. અનેક દર્દીઓને કલાકો સુધી રાહ જોવાની ફરજ પડી હતી.

- Advertisement -

હોસ્પિટલ તંત્રને ઘટનાની જાણ થતાં તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી. ભાગરૂપે નવી બિલ્ડીંગમાં ઉપલબ્ધ એક્સ-રે અને સોનોગ્રાફી મશીનોનો ઉપયોગ કરીને સેવાઓ ચાલુ રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમ છતાં, સવારના લગભગ 10:00 વાગ્યાથી વીજળી ખોરવાયા બાદ બપોરે લગભગ 3:00 વાગ્યે ફરીથી વીજ પુરવઠો પુનઃ શરૂ થતા અંદાજે પાંચ કલાક સુધી દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

જૂની બિલ્ડીંગ તોડકામ દરમિયાન જરૂરી સાવચેતી ન રાખવાને કારણે બહારથી સારવાર માટે આવતા દર્દીઓને હાલાકી ભોગવવી પડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે, હોસ્પિટલ તંત્ર દ્વારા આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે અને દર્દીઓની સલામતી તથા સારવારમાં કોઈ ખલેલ ન પડે તે બાબતે સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું હોવાનું જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular