આજકાલ સુપર બાઈક્સનો ક્રેઝ ખુબજ વધી રહ્યો છે. ખાસ કરીને યુવાઓ સુપર બાઈક પાછળ પાગલ બની રહ્યા છે. બાઈકનો શોખ હોવો અને બાઈક રાઈડનો આનંદ માણવો એ કોઈ ખોટી વસ્તુ નથી. પરંતુ પ્રોપર રાઈડીંગ ગીયર અને હેલમેટ વિના બાઈક ચલાવવી અને ઓવર સ્પીડમાં સ્ટંટ કરવા તે ખુબજ જોખમી નીવડી રહ્યું છે.
ગુજરાતની જ વાત કરીએ તો છેલ્લા બે દિવસમાં બે સુપર બાઈક ચાલકોના મોત નીપજ્યા છે. અમદાવાદમાં GMDC પાસે BMW બાઈક ચાલક રેલીંગ સાથે ટકરાયો હતો અને તેનું મોત નીપજ્યું હતું. જાણવા મળતી વિગતો મુજબ આ બાઈક ચાલક પુરપાટ ઝડપે બાઈક ચલાવી રહ્યો હતો. આવી જ રીતે સુરતમાં પણ એક બાઈક રાઈડર જેની ઉમર ફક્ત 18 વર્ષ હતી જેનું ઓવર સ્પીડ બાઈક અકસ્માતમાં મૃત્યુ થયું હતું. 18 વર્ષીય પ્રિન્સ પટેલ જે એક આશાસ્પદ યુવાન હતો પરંતુ પોતાની KTM બાઈકની ઓવર સ્પીડીંગની ઘેલછાના લીધે એટલો ગંભીર અકસ્માત થયો હતો કે તેનું માથું ધડથી અલગ થઇ ગયું હતું અને રસ્તા પર પડેલા તેના મૃતદેહ પાસે તેની માતાનો વિલાપ કાળજું કંપાવી નાખે તેવો હતો. આ તો ફક્ત ગુજરાતના છેલ્લા બે દિવસની વાત છે પરંતુ ભારતભરમાં આવા સુપર બાઈક્સના કેટલાય અકસ્માતો થાય છે અને અનેક લોકોના મૃત્યુ નીપજ્યા છે જયારે અનેક લોકો-હાથ પગ ગુમાવી બેઠા છે.
યુવાઓને એક વાત ખાસ સમજવી પડશે કે બાઈકનો શોખ હોવો એ જરા પણ ખોટી વાત નથી. પરંતુ મોટી વસ્તુ સાથે મોટી જવાબદારી પણ સાથે આવે છે. જેમ કે સાદા બાઈકમાંથી સુપર બાઈક પર આવો છો ત્યારે ખાસ બાઈક સાથે જ રાઈડીંગ ગીયર જે પણ ખરીદો અને બાઈક ચલાવતી વખતે તે પહેરો. તેના સિવાય હેલમેટ તો ખાસ પહેરવું જોઈએ જ. પરંતુ ફક્ત સેફટી ગીયર્સ થી જ આપ સુરક્ષિત થઇ નથી જતા. આપ જયારે સુપર બાઈક ચલાવો છો ત્યારે સ્પીડ પણ કંટ્રોલમાં રાખવી જરૂરી છે. આ સુપર બાઈક્સ ટ્રેક પર ચલાવવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યા હોય છે પરંતુ જયારે આપ તેણે શહેરમાં કે હાઈવે પર ચલાવો છો ત્યારે ક્યારેય ઓવર સ્પીડ ના ચાલો કારણ કે આ બાઈક્સને વધુ પડતી સ્પીડમાં કંટ્રોલ કરવા પણ સહેલા નથી તો જેટલી સ્પીડ આપના અને બીજા રાહદારીઓ માટે સુરક્ષિત છે તે જ સ્પીડ પર બાઈક ચલાવો.
સુપર બાઈક્સની કીમત 4 થી 5 લાખ થી શરુ થાય છે તો પરિવારજનોએ પણ પોતાના લાડકવાયાઓને આવી બાઈક્સ આપતા પહેલા બધી વાત સમજાવવી જોઈએ અને જરૂર હોય તો જ બાઈક અપાવવી જોઈએ અને બાઈક આપ્યા બાદ પણ આપના બાળકો કેવી રીતે બાઈક ચલાવે છે શું કરે છે તેની પુરતી કાળજી રાખો જેથી આપના તેમજ બીજાના પરિવારજનો સુરક્ષિત રહે.


