જામનગર શહેરના નીલકંઠ પાર્ક વિસ્તારમાં રહેતા ભાઇએ બહેનના ઘરેથી લઇ આવેલા દાગીના પરત લેવા આવેલી બહેનએ ભાઇ પાસે પરત માંગવા જતાં ઉશ્કેરાયેલા ભાઇએ ગાળો કાઢી માર મારી, વાળ પકડીને ઢસડયા બાદ પતાવી દેવાની ધમકી આપી હતી.
આ બનાવની મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સિમાણી કારાવડ ગામમાં રહેતાં કૌશલ્યાબા જયરાજસિંહ જાડેજા (ઉ.વ.32) નામના મહિલા જામનગર શહેરમાં નીલકંઠ પાર્ક, શેરી નંબર ત્રણમાં રહેતાં તેના ભાઇ મહાવીરસિંહ નરેન્દ્રસિંહ સરવૈયાએ તેમના બહેનના ઘરેથી દાગીના લઇ આવ્યા હતા. જે દાગીના પરત લેવા માટે કૌશલ્યાબા ગઇકાલે જામનગર તેના ભાઇના ઘરે આવ્યા હતા. ભાઇ પાસેથી દાગીના પરત માંગતા ઉશ્કેરાયેલા મહાવીરસિંહ તેના બહેન કૌશલ્યાબાને ગાળો કાઢી, ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ બહેનના વાળ પકડીને ઢસડયા હતા. ઉપરાંત બહેનને પતાવી દેવાની ધમકી પણ આપી હતી. ભાઇ દ્વારા કરાયેલા હુમલા અને ધમકીના બનાવ અંગેની જાણ કરાતા એએસઆઇ એફ. જી. દલ તથા સ્ટાફએ મહાવીરસિંહ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


