જામનગર શહેરના બ્રાસપાર્ટના વેપારી સાથે અમદાવાદના ત્રણ શખ્સોએ બ્રાસ એસ ખરીદવા માટે વેપારીને વિશ્વાસમાં લઇ રૂા. 53 લાખની કિંમતની માટી ખરીદ્યા બાદ રૂપિયાની ઉઘરાણી કરતાં વેપારીને ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી વિશ્વાસઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના પવનચકકી વિસ્તારમાં ભાનુશાળી વાડી સામે રહેતાં ચિરાગભાઇ ભૂપતભાઇ ફલિયા (ઉ.વ.36) નામના વેપારીનું ગોકુલનગર, જકાતનાકા પાસે, પટેલ એસ્ટેટ શેરી નંબર ચાર, પ્લોટ નંબર 18માં આવેલી હની ઝિંક ટ્રેડિંગ નામની પેઢીમાં અમદાવાદના હર્ષદકુમાર પટેલ, રવિબાબુ સુતરિયા, ધર્મેન્દ્ર હરિ ઠક્કર નામના ત્રણ વેપારીઓએ આવીને ચિરાગને વિશ્ર્વાસમાં લઇ તેની પાસેથી માટી (બ્રાસ એસ) ખરીદવા માટે ભાવતાલ નક્કી કર્યા હતા. ત્યારબાદ અમદાવાદના ત્રણેય શખ્સોએ ચિરાગભાઇ પાસેથી રૂપિયા 53,90,995ની કિંમતની 197 ટન માટી (બ્રાસ એસ) ગત્ મે માસમાં ખરીદી કરી હતી. આ માલ ખરીદ કર્યા બાદ વેપારી દ્વારા ત્રણેય શખ્સો પાસેથી સામાનના પૈસાની ઉઘરાણી કરવામાં આવતાં ત્રણેય શખ્સો દ્વારા રૂપિયા આપવામાં આનાકાની કરતા હતા. દરમ્યાન ચિરાગભાઇને ત્રણેય વેપારીઓએ રૂપિયા નહીં આપી, ગાળો કાઢી, પતાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ વેપારી દ્વારા જાણ કરાતા પીએસઆઇ વી. એ. પરમાર તથા સ્ટાફએ ત્રણ શખ્સો વિરૂઘ્ધ રૂા. 53.90 લાખની છેતરપિંડી અને વિશ્ર્વાસઘાત આચર્યાની ફરિયાદ નોંધી આગળની તપાસ આરંભી હતી.


