કાલાવડ રાજકોટ ધોરીમાર્ગ પરથી પસાર થતી કારને પોલીસે આંતરીને તલાસી લેતા તેમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો સાથે બે શખ્સોને ઝડપી લઇ 2,62,000નો મુદામાલ કબ્જે કર્યો હતો.
દુરોડાની વિગત મુજબ કાલાવડ રાજકોટ ધોરીમાર્ગ પરથી કારમાં દારૂનો જથ્થો પસાર થવાની બાતમીના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન પસાર થઇ રહેલી જીજે01 આરઇ 9123 નંબરની હોન્ડા સીટી કારને આંતરીને તલાસી લેતા કારમાંથી રૂા.12,000ની કિંમતની 24 નંગ ઇંગ્લીશ દારૂની બોટલો મળી આવતા પોલીસે દારૂનો જથ્થો અને અઢી લાખની કિંમતની કાર મળી કુલ રૂા.2,62,000ના મુદામાલ સાથે ગૌતમ સુરેશ જાદવ રહે. જામકંડોણા અને મહેન્દ્ર હેમુ દેગામા રહે. બોટાદ નામના બે શખ્સોને દબોચી લઇ તેમના વિરૂઘ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં સિઘ્ધાથ નગર શેરી નં.5માં રહેતા સાહિલ ઉર્ફે ગોપાલ કૈલાશ ગોહિલ નામના શખ્સના મકાનમાં સીટી સી ડિવિજન પોલીસે રેઇડ દરમિયાન તલાસી લેતા તેમાંથી રૂા.16800ની કિંમતની 24 બોટલ દારૂ મળી આવતા પોલીસે નાશી ગયેલા સાહિલની શોધખોળ માટે ચક્રોગતિમાન કર્યા હતાં.
ત્રીજો દરોડો જામનગર શહેરના શંકરટેકરીમાં વણકર સમાજની વાડી પાછળ આવેલા દિવ્યેશ ઉર્ફે દિવલો મનસુખ ચૌહાણ નામના શખ્સના મકાનમાંથી સીટી સી પોલીસ સ્ટાફે તલાસી લેતા રૂા.4200ની કિંમતની ઇગ્લીશ દારૂની 6 બોટલો મળી આવતા હે.કો. એચ.ડી. પરમાર તથા સ્ટાફે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


