સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જામનગરમાં નવનિર્મિત સૌરાષ્ટ્રના સૌથી મોટા ફલાય ઓવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ બાદ જામનગરના નજરાણાસમાન ફલાય ઓવર નિહાળવા માટે શહેરીજનો મોટી સંખ્યામાં રાત્રિના સમયે ઉમટી પડે છે અને સોશિયલ મિડિયામાં ફોટા અને વિડિયો વાયરલ કરવાનો એક ટ્રેન્ડ બની ગયો છે અને આ ફલાય ઓવર ઉપર શહેરીજનોની ભીડના કારણે ટ્રાફિકજામ થઇ જાય છે. તેમજ નવનિર્મિત ફલાય ઓવરની જાળવણી રાખવામાં શહેરીજનો ઉણા ઉતર્યા છે. કેમ કે, લોકાર્પણ બાદ જ ફલાય ઓવર પર પાનની પિચકારીઓ અને કચરો જોવા મળી રહ્યો છે. ત્યારે મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદી દ્વારા જામનગરના નજરાણાસમાન ફલાય ઓવરની જાળવણી અને સ્વચ્છતા માટે શહેરીજનોને સૂચક અપીલ કરવામાં આવી હતી. દરમ્યાન આજે સવારે ફલાય ઓવરના જૂના રેલવે સ્ટેશન પાસેના એક પીલરમાં રહેલા ઇલેકટ્રીક વાયરમાં આગ લાગતાં ફાયર બ્રિગેડની ટીમ ગણતરીની મિનિટોમાં જ સ્થળ પર પહોંચી ગઇ હતી અને આગને કાબૂમાં લીધી હતી. સદ્નસીબે આગ વકરે તે પહેલાં જ ફાયરના જવાનોએ સમય સૂચકતા વાપરી આગને કાબૂમાં લઇ લીધી હતી.
View this post on Instagram


