Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરએક લાખ કિમીની સાયકલ યાત્રા અને એક લાખ વૃક્ષોના સંકલ્પ સાથે સુબોધ...

એક લાખ કિમીની સાયકલ યાત્રા અને એક લાખ વૃક્ષોના સંકલ્પ સાથે સુબોધ વિજય જામનગર પહોંચ્યો – VIDEO

પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે ભારત ભ્રમણ કરતો 26 વર્ષીય યુવાન 10 રાજયની સફર પૂર્ણ કરી

પર્યાવરણમાં વધતા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગથી માનવ જીવનને ઊભા થતા જોખમોને ધ્યાને લઇ પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે મૂળ મહારાષ્ટ્રના અને લદ્દાખને પોતાની કર્મભૂમિ બનાવનાર 26 વર્ષીય સુબોધ વિજય છેલ્લા અનેક મહિનાથી ભારતભ્રમણ પર નીકળ્યા છે. દેશને પર્યાવરણ, સ્વચ્છતા અને વ્યસનમુક્તિનો સંદેશ આપવા માટે શરૂ કરાયેલ આ યાત્રા અત્યાર સુધી દસ રાજ્યનો પ્રવાસ પૂર્ણ કર્યા પછી હવે જામનગર પહોંચેલી છે.

- Advertisement -

સુબોધ વિજયે જણાવ્યું કે આજના સમયનો યુવાન પોતાની જવાબદારીઓથી અજાણ હોવાથી પર્યાવરણ અને વ્યસન જેવી સમસ્યાઓ ગંભીર બની રહી છે. યુવાનોને સાચો સંદેશ મળી રહે અને સમાજમાં જાગૃતિ વધે તે માટે જ મેં આ 950 દિવસની રાષ્ટ્રીય યાત્રાનો પ્રારંભ કર્યો છે.

- Advertisement -

લદ્દાખથી શરૂ થયેલી આ યાત્રાએ અત્યાર સુધી ઉત્તર ભારતના મોટાભાગના રાજ્ય કવર કર્યા છે. સુબોધએ 40 હજાર કિમીથી વધુનું અંતર પૂર્ણ કરી લીધું છે અને કુલ 1 લાખ કિમીનો પ્રવાસ સાયકલ પર પૂર્ણ કરવાનો સંકલ્પ લીધો છે. યાત્રા પૂર્ણ થયા બાદ માઉન્ટ એવરેસ્ટ પર ભારતનો તિરંગો લહેરાવવાનો તેમનો ઉમદા હેતુ છે. ફિટનેસ અને પર્યાવરણ બંને દેશને મજબૂત બનાવે છે, તેથી હું દેશભરમાં આ સંદેશ આપે છે.

- Advertisement -

સુબોધ છેલ્લા પાંચ વર્ષથી ટ્રેકિંગ અને માઉન્ટેનિયરિંગ ક્ષેત્રે કાર્યરત છે. 2022માં કપટ પહાડી પર વિશેષ ચઢાણ પૂર્ણ કરીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. હાલની તેમની રાષ્ટ્રીય યાત્રા પણ વર્લ્ડ રેકોર્ડ સર્જશે એવી તેમની ખાતરી છે.

આ યાત્રામાં ભારતીય સેના, એરફોર્સ અને અનેક લોકલ સંસ્થાઓ તેમનો ઉત્સાહ વધારી રહી છે. દરેક રાજ્યમાં તેમને વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે. 1 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધેલો સુબોધ અત્યાર સુધીમાં 30 હજારથી વધુ વૃક્ષો વાવી ચૂક્યા છે.

દેશભરમાં પર્યાવરણ સંરક્ષણનો સંદેશ ફેલાવતો આ યુવાન હવે જામનગર પહોંચ્યો છે. અહીં પણ લોકલ સંસ્થાઓ સાથે મળી વૃક્ષારોપણ સહિત અનેક જાગૃતિ કાર્યક્રમોમાં જોડાશે. અત્યાર સુધી દસ રાજ્યનો પ્રવાસ પૂર્ણ કરી ચૂકેલ સુબોધ વિજય આગળ વધીને દેશને વ્યસનમુક્તિ, સ્વચ્છતા અને હરિયાળી તરફ દોરી જવાનો સંદેશ આપી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular