જામનગરમાં સગીરા ઉપર દુષ્કર્મ આચરી વિડીયો બનાવી મારી નાખવાની ધમકી આપ્યાના કેસમાં અદાલત દ્વારા આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. અને ભોગ બનનારને વળતર પેટે રૂા.4 લાખ ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.
આ કેસની વિગત મુજબ જામનગરના ફરિયાદીની 17 વર્ષની સગીર પુત્રી સાથે આરોપી વસીમ ઇસ્માઇલ દરજાદા નામના 24 વર્ષના શખ્સે તા.10-6-2020 પહેલાના પાંચેક માસ પૂર્વે ભોગ બનનારની બાજુમાં રહેતો હોય ભોગ બનનારના માતા-પિતા રાજકોટ ગયા હોય ભોગ બનનાર ઘરે એકલી હતી ત્યારે આરોપી અગાસીમાંથી ભોગ બનનારના રૂમમાં પહોંચી છરી બતાવી ધમકી આપી ભોગ બનનારની મરજી વિરૂઘ્ધ દુષ્કર્મ આચર્યુ હતું અને તેનો વિડીયો ઉતારી આ વાત કોઇને કહીશ તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ભોગ બનનારએ ડરના લીધે આ વાતને કોઇને કહી ન હતી. તેમજ ભોગ બનનાર જ્યારે બહાર જતી ત્યારે આરોપી તેની પાછળ જઇ પરેશાન કરતો હતો. ભોગ બનનારના ફોટા આરોપી પાસે હોય તે ફોટા પરત કરવા આજીજી કરતા આરોપીએ ભોગ બનનારને હોટલ રીવેરામાં બોલાવી ફરી દુષ્કર્મ આચર્યુ હતું. અને વિડીયો ઉતારી ધમકી આપી હતી.
આરોપી દ્વારા અલગ અલગ ત્રણેક વખત ભોગ બનનારને બોલાવી તેની મરજી વિરૂઘ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. ભોગ બનનારના માતા-પિતા રાજકોટથી જામનગર આવતા આ અંગે તેના પિતાને વાત કરતા સીટી એ ડિવિઝનમાં પોકસો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવાઇ હતી. જે કેસ સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી જતાં સરકાર તરફે રજૂ થયેલ 20 જેટલા સાહેદો, દસ્તાવેજી પુરાવા તથા સરકારી વકીલની દલીલો માન્ય રાખી આરોપી વસીમ ઇસ્માઇલ દરજાદાને તકસીરવાન ઠેરવી પોકસો કલમ 4માં 10 વર્ષની સખત કેદની સજા તથા રૂા.10 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ બે વર્ષની સજા, પોકસો કલમ 6 હેઠળ 20 વર્ષની સખત કેદની સજા અને રૂા.5 હજારનો દંડ તથા દંડ ન ભરે તો એક વર્ષની સાદી કેદની સજા તથા પોકસો કલમ 8માં 3 વર્ષની સખત કેદની સજા તથા રૂા.2 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા તથા ભોગ બનનારને વળતર પેટે રૂા.4 લાખ ચૂકવવા સ્પેશ્યલ પોકસો કોર્ટના જજ આર. પી. મોગેરા દ્વારા હુકમ કર્યો છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતીબેન વાદી રોકાયા હતાં.


