કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામમાં રહેતાં પ્રૌઢાના ઘરે આવી રણુંજા મંદિરના રામા મંડળમાં આવવાનું આમંત્રણ આપી દુ:ખાવો અને નડતરો દૂર કરવા વિશ્વાસમાં લઇ ઘરમાં રહેલી એક લાખની રોકડ છેતરપિંડી કરી આચરી ગયાના બનાવમાં બે શખ્સો વિરૂઘ્ધ પોલીસે તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામમાં આવેલી શિવનગર સોસાયટીમાં રહેતાં લીલીબેન ખોડાભાઇ પટેલ (ઉ.વ.59) નામના પ્રૌઢા સોમવારે સવારે દસ વાગ્યાના અરસામાં તેના ઘરે હતા ત્યારે બે અજાણ્યા શખ્સો આવ્યા હતાં. પ્રૌઢાને રણુંજા મંદિરના રામા મંડળમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ બન્ને શખ્સોએ પ્રૌઢાને પાણી પીવડાવી પગનો દુ:ખાવો તથા ઘરના નડતરો દૂર કરવાનું જણાવી મંત્રોચ્ચાર કરી પ્રૌઢાને વિશ્ર્વાસમાં લીધા હતા. ત્યારબાદ પ્રૌઢાના ઘરમાં પડેલા રૂપિયા એક લાખ મંગાવ્યા હતા અને બન્ને શખ્સોએ પ્રૌઢાને વાતચીતમાં લગાવી નજર ચૂકવી એક લાખની રોકડ ભરેલી થેલી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી લઇ ગયા હતા. ત્યારબાદ પ્રૌઢા સાથે છેતરપિંડી થયાનું જણાતા પોલીસમાં જાણ કરાઇ હતી. જેના આધારે પીએસઆઇ સી. બી. રાંકજા તથા સ્ટાફે બે અજાણ્યા શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.


