સોમવારે સાંજે દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં આઠથી વધુ લોકોના મોત નિપજયાના બનાવના પગલે સમગ્ર દેશમાં હાઇએલર્ટ કરી દેવામાં આવ્યું છે. જેના પગલે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પણ પોલીસ એલર્ટની સ્થિતિમાં આવી ગઇ છે. ગત્રાત્રિના હાલારમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
દેશની રાજધાની દિલ્હીના લાલ કિલ્લા પાસે ગઇકાલે સાંજના 6:52 મિનિટે એક આઇ-20 કારમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં અનેક કારો સળગીની રાખ થઇ ગઇ હતી. આ બ્લાસ્ટમાં આઠથી વધુ લોકોના મોત નિપજયાનું જાણવા મળે છે. દેશની રાજધાનીમાં લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટના પગલે દેશના મુખ્ય મેટ્રો સહિતના શહેરોમાં હાઇએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ હાઇએલર્ટના પગલે ગુજરાત રાજ્યના પોલીસવડા વિકાસ સહાય દ્વારા એલર્ટ જાહેર કરી દેવાયું છે. આ બ્લાસ્ટ પહેલાં ગુજરાત એટીએસ દ્વારા ત્રણ આતંકીઓને દબોચી લેવામાં આવ્યા હતાં. ગઇકાલે રાતથી જ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથકોમાં એસપી ડો. રવિ મોહન સૈની અને જયરાજસિંહ વાળાના વડપણ હેઠળ જુદી જુદી ટીમો દ્વારા મુખ્ય માર્ગો પર, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, એરપોર્ટ તથા દરિયાઇ જેટી અને હોટલોમાં પણ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ એવા હાલારના દરિયાકિનારે પણ પેટ્રોલિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે.
View this post on Instagram
જામનગર શહેર અને જિલ્લામાં એસઓજી, એલસીબી, મરીન પોલીસ સહિતની જુદી જુદી પોલીસની ટૂકડીઓ દ્વારા રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, બાલા હનુમાન મંદિર તથા ધોરીમાર્ગો પરથી પસાર થતાં વાહનોનું અને મુસાફરોના સામાનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જો કે, હજુ સુધી હાલારમાં કોઇ સંવેદનશીલ કે શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી આવી નથી. તેમજ દ્વારકામાં પણ વિશ્વ વિખ્યાત દ્વારકાધીશના મંદિરની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી દેવામાં આવી છે. મંદિર અને રેલવે સ્ટેશન તથા હોટલોમાં દ્વારકા પોલીસ દ્વારા ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ ચેકીંગ ઝુંબેશ ચાલુ રહેશે તેમ પોલીસવિભાગ દ્વારા જણાવાયું છે. પોલીસ દ્વારા હોટલોમાં રોકાયેલા યાત્રિકો અને મુસાફરોના રજિસ્ટર પણ ચેક કરવામાં આવ્યા હતા.


