જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં સફાઇના અભાવે કચરના ગંજ ખડકાયેલા રહે છે. તેના કારણે રોગચાળો ચિંતાજનક રીતે વકરતો જાય છે. મહાપાલિકા દ્વારા શહેરના 16 વોર્ડમાં કચરા ઉપાડવાની કામગીરી ઘણા સમયથી ખાડે ગઇ છે. આ કચરો ઉપાડતા વાહનો પણ ખખડધજ અને ભંગાર હાલતમાં શહેરના રાજમાર્ગો પર મોતના સામાનની જેમ બેખૌફ પરિવહન કરતા હોય છે. જેના કારણે આજુબાજુમાંથી પસાર થનારા વાહનો માટે સતત મોતનો ભય તોળાતો રહે છે. તેવી પરિસ્થિતિમાં પણ નિંભર તંત્ર શહેરીજનોની સુખાકારી અને સારા સ્વાસ્થ્ય માટે લાંબા ગાળાનું આયોજન કરી શકતું નથી તે બહુ વિચારવા જેવી બાબત છે. શહેરના અનેક વિસ્તારોમાં સફાઇના અભાવે કચરાના ઢગલાઓ ઠેક-ઠેકાણે જોવા મળે છે. પરંતુ તંત્ર દ્વારા શહેરમાં સફાઇ મામલે વરસોથી બેદરકારી દાખવવામાં આવી રહી છે.
પ્રજાના પરસેવાની કમાણીનું કરોડો રૂપિયાનું આંધણ કરી કચરાંના કોન્ટ્રાક્ટ આપી દે છે પરંતુ ત્યારબાદ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી બરાબર થાય છે કે નહીં? તે અંગે એકપણ કોર્પોરેટર કે પદાધિકારીને ચકાસવાની ગંભીરતા નથી. શહેરના પોશ વિસ્તારોમાં પણ કચરાના ઢગલાને કારણે રોગચાળો વકરતો જાય છે. હવે તો ધીમે ધીમે પરિસ્થિતિ એટલી હદે ખરાબ થઇ ગઇ છે કે કચરાના ઢગલાના કારણે અસહ્ય દુર્ગંધ અને ગંદકી ફેલાતા લોકોને ત્યાંથી પસાર થવાનું પણ મુશ્કેલ બની ગયું છે. શહેરીજનો આટલી ગંદકીમાં કેવી રીતે રહે છે? તે અંગે કોર્પોરેટર કે પદાધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. શહેરના પોશ ગણાતા એવા પટેલ કોલોની વિસ્તારમાં પણ ઠેકઠેકાણે કચરાના ઢગલા અને ગંદકી જોવા મળી રહી છે. હવે તો પરિસ્થિતિ એટલી ખરાબ થઇ ગઇ છે કે પટેલ કોલોનીના બદલે કચરા કોલોની કહેવામાં પણ અતિશયોક્તિ નથી.
View this post on Instagram
કરોડોના આંધણ પછી પણ વરસોથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં કચરાના ઢગલા થઇ જતાં હોય તો પ્રજાના પરસેવાની કમાણીનો આટલો દૂરૂપયોગ કયા આધારે કરવામાં આવે છે? તે મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ વિચારવું જોઇએ. ખાસ કરીને શહેરને સ્વચ્છ બનાવવા માટે ટૂંકા ગાળાના અને કરોડોના આંધણ નહીં પરંતુ લાંબા ગાળાનું વ્યવસ્થિત આયોજન કરવું આવશ્યક છે.


