ગુજરાતના ખેડૂતોને આ વર્ષે પાકને મોટું નુકસાન થયું છે. આ વર્ષે ચોમાસામાં વરસાદ બાદ સતત માવઠાના કારણે ગુજરાતના ખેડૂતો સૌથી મોટી મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ગુજરાત સરકારે પાક નુકસાની બદલ રૂા.10 હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુ છે.
રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કૃષિ વિભાગ, મહેસુલ વિભાગ અને નાણા વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓની સમીક્ષા બેઠક બાદ ખેડૂતોને પાક નુકસાનીની વળતર પેટે રૂા.10 હજાર કરોડનું રાહત પેકેજ આપવાનો નિર્ણય લેવાયો છે અને 9 નવેમ્બરથી સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂા.15000 કરોડના મુલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની પણ ખરીદી કરશે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, અન્ન દાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાને માથે લઇને સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબધ્ધ હતી છે અને રહેશે તેવો વિશ્ર્વાસ આપુ છું.


