કાલાવડ તાલુકાના વિભાણીયા ગામે મંદિરની દાન પેટીમાંથી થયેલી ચોરીનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી નાખ્યો છે. ચોરી કરનાર શખ્સને કાલાવડ ગ્રામ્ય પોલીસે ચોરીના મુદામાલ સાથે પકડી પાડયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કાલાવડ તાલુકાના વિભાણીયા ગામે આવેલા નાગબાઇ માતાજીના મંદિરમાં ગત 4 નવેમ્બરના રાત્રીના સમયે કોઇ તસ્કરો મંદિરમાં પ્રવેશ્યા હતાં. આ તસ્કરોએ મંદિરની દાન પેટી તોડી અંદાજે રૂા.30,000ની રોકડ રકમ ચોરીને પલાયન થઇ ગયા હતાં. આ અંગે નોંધાયેલી ફરિયાદ બાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીઆઇ પી.જી. પનારાએ મંદિર ચોરીનો ગુન્હો ડીટેકટ કરવા માટે તાત્કાલીક અલગ અલગ ટીમોને કામે લગાડી હતી. જે દરમિયાન પોલીસ ટુકડીને મળેલ બાતમીના આધારે મોટા વડાળા ગામના પાટીયા પાસે પગટેશ્વર મહાદેવના મંદિર નજીક વોચ ગોઠવવામાં આવી હતી. આ વોચ દરમિયાન મોટરસાઇકલ પર પસાર થઇ રહેલા શંકાસ્પદ શખ્સને અટકાવીને તેની તલાસી લેતા તેની પાસેથી કેટલીક રોકડ રકમ મળી આવી હતી. આ અંગે વધુ પુછપરછ કરતા આ શખ્સે નાગબાઇ માતાજીના મંદિરમાંથી ચોરી કરી હોવાનું જણાવતા પોલીસે ચોરીના સંતાડેલા રૂપિયા સહિત કુલ 79550 નો મુદામાલ કબ્જે કર્યો હતો. જેમાં એકટીવાનો પણ સમાવેશ થાય છે. આમ પોલીસે ગણતરીની કલાકોમાં મંદિર ચોરીનો ભેદ ઉકેલી ચોરીના મુદામાલ સાથે તસ્કરને પકડી પાડયો હતો. આ કાર્યવાહીમાં પીએસઆઇ સી.બી. રાકજા, આર.બી. ઠાકોર, એએસઆઇ જી.ઇ. જેઠવા, કોન્સ. અલ્તાફભાઇ, વનરાજભાઇ, પ્રદિપ ભંડેરી, કુલદીપસિંહ જાડેજા, નિરજકુમાર, ભયપાલસિંહ, રાજદિપસિંહ સહિતનો સ્ટાફ જોડાયો હતો.


