કારતક મહિનામાં દીવડાની પુજા તથા દીપદાનનું વિશેષ મહત્ત્વ છે. ત્યારે દ્વારકાધીશના જગતમંદિરમાં આવેલા રાણીવાસમાં કારતક સુદ પુર્ણિમા એટલે કે દેવદિવાળીના પાવન અવસરે સાંજના સમયે લક્ષ્મીજીના મંદિર સન્મુખ અલગ-અલગ પ્રકારની રંગોળીઓ બનાવીને તેમાં અગીયાર હજાર દીવડાઓને પ્રગટાવી પરિસરનું સુશોભન સાથે કરી રંગોળી કરીને દેવદિવાળીનો ઉત્સવ મનાવવામાં આવશે. તેમ શારદાપીઠ જગતમંદિરમાં સંચાલિત વિવિધ મંદિરોની સેવા-પૂજાનો ક્રમ સંભાળતા વિજયભાઈ તથા આનંદભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું.
કાર્તિક પૂર્ણિમાના દીપ પ્રજવલિત કરી તેના દર્શનથી સુખ-શાંતિ, સમૃદ્ધિ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. આ દેવદિવાળીના દિવસે જે કોઈ વ્યકિત પરમાત્માનું સ્મરણ કરી, દીવા કરે તેઓ સર્વ પાપોમાંથી મુકત થાય છે. આ દીપ પ્રાગટય અને તેના દર્શન થકી તેને સુખ-શાંતિ, સમૃધ્ધિ અને અભ્યુદય તથા ઐશ્વર્યની પ્રાપ્તિ અવશ્ય થાય છે એવું પૌરાણિક ગ્રંથમાં કહેવાયું છે. દેવદિવાળીની સમાપ્તિ સાથે જ દીપાવલીનો મહોત્સવ પૂર્ણવિરામ પામે છે અને તે સાથે જ શરૂ થાય છે શુભ લગ્નોની સિઝન એટલે કે લગ્નોત્સવ. લગ્નોત્સુક યુવક-યુવતીઓના પરિવારોમાં શુભ મુહુર્ત દિને તોરણો બંધાય છે મંગળગીતો ગવાય છે અને ઢોલ ઢબુકે છે. અને વરક્ધયા પ્રભુતામાં પદાર્પણ કરે છે.


