ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ રખડતાં કૂતરા અને તેના કરડવાથી હડકવાનું જોખમ સતત વધી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે તો તેની સ્વયંભૂ નોંધ લીધી છે અને આ અંગે તમામ રાજ્યના મુખ્યસચિવોને 3 નવેમ્બરના સુપ્રીમ સદેહે હાજરી આપવાનો આદેશ જારી કર્યો છે. આ સ્થિતિ જ સ્વંય સ્પષ્ટ કરે છે કે, દેશમાં રખડતાં કૂતરાઓની સમસ્યા સામાન્ય નહીં પણ રાજ્યની સરકારો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે મોટી ચિતાનો વિષય છે.
એક માહિતી અનુસાર દેશમાં રખડતાં કૂતરાઓની કુલ સંખ્યા 1.53 કરોડથી વધુ હોવાનું અનુમાન છે. દર વર્ષે હડકવાથી 20,000 ભારતીયો મૃત્યુ પામે છે. જોકે, હાલ રખડતાં કૂતરાઓના કોઈ ચોક્કસ આંકડા ઉપલબ્ધ નથી પરંતુ 2019માં ભારતીય પશુ કલ્યાણ બોર્ડ દ્વારા કરાયેલી પશુ ગણતરીમાં દર વર્ષે 2 ટકા કૂતરાઓની સંખ્યામાં વૃદ્ધિ દરને માનીને આ અનુમાન મૂકાયો છે. રાજ્યોમાં રખડતાં કૂતરાઓની વસતિ લાખો અને દેશમાં કરોડથી વધુ પહોંચી છે. એનું એક મુખ્ય કરાણ વધતું જતું શહેરીકરણ અને શહેરી કચરો, કૂતરાઓની બિન અસરકાર નસબંધી અને વસતિની વધતી જતી ગીચતાને માનવામાં આવે છે. દેશમાં સૌથી વધુ રખડતાં કૂતરા ઉત્તરપ્રદેશમાં છે, જ્યાં તેની સંખ્યા 20.6 લાખ જેટલી છે. બીજા નંબરે ઓરિસ્સામાં 17.3 લાખ, મહારાષ્ટ્રમાં 12.8 લાખ, રાજસ્થાન, કર્ણાટક, પરૂમિ બંગાળ, મધ્યપ્રદેશમાં 10-10 લાખ, આંધ્રપ્રદેશમાં 8.6 લાખ, ગુજરાતમાં 8.5 લાખ અને બિહારમાં 8 લાખ જેટલી છે. આમ, દેશમાં સૌથી વધુ રખડતાં કૂતરા ધરાવતાં ટોપ-10 રાજ્યોમાં ગુજરાતનો ક્રમ 9મો આવે છે. જ્યારે બીજીબાજુ દિલ્હીમાં 5.5 લાખ, પંજાબમાં 5.2 લાખ અને નાના ઉત્તર-પૂર્વીય રાજ્યો જેમ કે મિઝોરમમાં 0.07 લાખ અને સિક્કિમમાં 0.05 લાખ જેટલી છે.


