દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી માવઠાભર્યા માહોલ વચ્ચે ગઈકાલે રવિવારે બપોરે દ્વારકામાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ વરસી જવા પામ્યો હતો.
દ્વારકા તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં રવિવારે બપોરે આશરે એકાદ વાગ્યાથી શરૂ થયેલા આ વરસાદે વેગ પકડતા કુલ 35 મી.મી. વરસાદ વરસી જવા પામ્યો હતો. જેના પગલે ઠેર ઠેર પાણી ચાલી નીકળ્યા હતા.
ત્યારે ખંભાળિયા તથા ભાણવડમાં હળવા છાંટા વરસ્યા હતા. રવિવારે દિવસ દરમિયાન ઉઘાડ વચ્ચે સૂર્યનારાયણના દર્શન થતા ખાસ કરીને ધરતીપુત્રો સાથે નગરજનોએ રાહતનો દમ લીધો હતો.
જો કે ખંભાળિયા પંથકમાં આજે સોમવારે પુન: મેઘરાજાના મંડાણ થયા હતા. અને ધોધમાર વરસાદ વરસતા માર્ગો પાણીથી તરબતર બની રહ્યા હતા. મોડે સુધી સૂર્યનારાયણના દર્શન થયા ન હતા.
આજે સવારે 10 વાગ્યા સુધીના સરકારી આંકડા મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ સાડા 39 ઈંચ (988 મી.મી.) થવા પામ્યો છે. જેમાં સૌથી વધુ કલ્યાણપુર તાલુકામાં સાડા 51 ઈંચ (1290 મી.મી.), દ્વારકા તાલુકામાં સવા 41 ઈંચ (1032 મી.મી.), ભાણવડ તાલુકામાં 36 ઈંચ (903 મી.મી.) અને ખંભાળિયા તાલુકામાં 29 ઈંચ (726 મી.મી.) થવા પામ્યો છે.


