ધ્રોલ તાલુકાના રોઝિયા ગામની સીમમાં આવેલા વાડી વિસ્તારમાં ખેત મજૂરી કરતાં આદિવાસી યુવકે અગમ્ય કારણોસર ગોડાઉનમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવ બાદ મૃતકની પત્ની પતિના મોતના આઘાતમાં ઘરેથી જતી રહી હતી.
આ બનાવની વિગત મુજબ અલીરાજપુર જિલ્લામાં ભાભરા તાલુકાના બડીકરેટી ગામના વતની અને હાલ ધ્રોલ તાલુકાના રોઝિયા ગામના સીમ વિસ્તારમાં આવેલી લગધીરસિંહની વાડીમાં ખેતમજૂરી કામ કરતાં ગોરધનભાઇ દિનેશભાઇ વાસુનિયા (ઉ.વ.20) નામના યુવકે ગત્ તા. 30ના રાત્રિના સમયે તેના ખેતરના ગોડાઉનમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. પતિ ગોરધનની આત્મહત્યાની જાણ થતાં આઘાતમાં તેની પત્ની રાહલીબેન ગોરધન વાસુનિયા (ઉ.વ.19) નામની યુવતી તેણીના ખેતરેથી કોઇને જાણ કર્યા વગર ચાલી ગઇ હતી. જેથી એક તરફ પરિવાજનો પુત્રના મોતના આઘાતમાં હતા. જ્યારે બીજી તરફ પુત્રવધૂ પતિના આઘાતમાં ઘર છોડીને જતી રહેતા પરિવાર ઉપર આભ ફાટયા જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. હતપ્રભ બનેલા પરિવારના દિનેશભાઇ દ્વારા જાણ કરતા પીઆઇ આર. એસ. રાજપૂત તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ યુવકના મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકની લાપતા થયેલી પત્નીની ગુમનોંધ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


