જામનગર એસટી ડિવિઝનને દિવાળીના તહેવારો ફળ્યા હતા. દિવાળીના તહેવારો દરમ્યાન જામનગર એસટી ડિવિઝન દ્વારા વધારાની બસો પણ દોડાવવામાં આવી હતી. જેમાં રૂપિયા સોળ લાખથી વધુની આવક એસટી ડિવિઝનને થવા પામી હતી.
તાજેતરમાં દિવાળીના પર્વની લોકોએ ઉજવણી કરી હતી. દિવાળીના તહેવાર દરમ્યાન બહારગામ અભ્યાસઅર્થે રહેતાં તેમજ નોકરી-ધંધાર્થે રહેતાં લોકો વ્યવસાય માટે રહેતાં લોકો પોતાના વતન આવતા હોય છે. તેમજ લોકો ફરવા પણ જતા હોય, તહેવારો દરમ્યાન એસટી બસોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળતી હોય છે. જેને ઘ્યાને લઇ મુસાફરોના ધસારાને પહોંચી વળવા અને મુસાફરોની સુવિધાને ઘ્યાને લઇ જામનગર એસટી ડિવિઝન દ્વારા વધારાની એસટી બસો પણ દોડાવવામાં આવી હતી. જે દિવાળીનું પર્વ એસટીને ફળ્યું હતું. એસટી ડિવિઝને જંગી આવક મેળવી હતી.
દિવાળીના તહેવારોમાં મુસાફરી ધસારાને ધ્યાનમાં લઈ ને જામનગર એસ.ટી. વિભાગ દ્વારા જૂનાગઢ, સોમનાથ, રાજકોટ, ગોધરા, દાહોદ માટે વધારાની બસો દોડાવવામાં આવી હતી. તા. 16 થી ર8 ઓક્ટોબર સુધી આ વધારાની બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું.
આ બસોની કુલ 3ર8 ટ્રીપ કરવામાં આવી હતી અને 1ર,876 મુસાફરોએ આ બસમાં મુસાફરી કરી હતી. તેમાંથી રૂ. 16,18,773 ની આવક થવા પામી હતી. વધારાની બસ દોડાવવાથી મુસાફરોને રાહત મળી હતી અને આસાનીથી પોતાના ગંતવ્ય સ્થળે પહોંચી ગયા હતાં.


