જામનગર શહેરમાં સરૂ સેકશન રોડ ઉપર યોજાયેલી કથામાં કથા સાંભળવા ગયેલી મહિલાઓની નજર ચૂકવી કુલ 6 નંગ સોનાના ચેઇન રૂા. 4,45,000ની કિંમતના મહિલા તસ્કર ટોળકીએ ચોરી કરી પલાયન થઇ ગઇ હોવાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં સરૂ સેકશન રોડ ઉપર, આવાસની સામે આવેલા પટેલવાડી પ્લોટમાં હાલમાં જ યોજાયેલી સપ્તાહમાં કથા સાંભળવા આવેલા મહિલાઓના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપની અડધો ડઝન ઘટનાઓ સામે આવી છે. જેમાં જામનગરમાં માધવબાગ વિસ્તારમાં રહેતા ડાહીબેન રતીલાલ ડાભી (ઉ.વ.35) નામના મહિલા ગત્ તા. 29ના રોજ બપોરના સમયે કથા સાંભળવા ગયા હતા. ત્યાં કથા પૂર્ણ થયા બાદ પ્રસાદ લેવામાં ભીડ હોવાથી તસ્કર મહિલા ગેંગએ ગેરલાભ ઉઠાવી ડાહીબેનએ પહેરેલો રૂા. 60 હજારની કિંમતનો દોઢ તોલાનો સોનાનો ચેઇન ચોરી કરી લીધો હતો. ઉપરાંત આ તસ્કર મહિલા ગેંગએ વાસંતીબેન મનોજભાઇ નંદાનો રૂા. 50 હજારની કિંમતનો 18 ગ્રામ વજનનો સોનાનો ચેઇન, પ્રતિક્ષાબેન પરેશભાઇ ઘુંચલાએ પહેરેલો રૂા. 30 હજારનો પેન્ડલ સાથેનો સોનાનો ચેઇન, જયાબેન દયાશંકર રવિયાનો રૂા. 1,20,000ની કિંમતનો 30 ગ્રામ વજનનો પેન્ડલ સાથેનો સોનાનો ચેઇન, દશરથબા રવિસિંહ જાદવનો રૂા. 35,000ની કિંમતનો દોઢ તોલાનો ચેઇન, રક્ષાબેન પ્રકાશચંદ્ર તાણાવાળાનો રૂા. 30 હજારની કિંમતનો સવા તોલાનો સોનાનો ચેઇન મળી કુલ 6 મહિલાઓના રૂા. 4,45,000ની કિંમતના બે પેન્ડલ સહિત કુલ 12.5 તોલા સોનાના ચેઇનની ચોરીનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.
કથાના સ્થળે પ્રસાદમાં મહિલાઓની ભીડનો ગેરલાભ ઉઠાવી તસ્કર મહિલા ગેંગે રૂા. 4,45,000ની કિંમતના સાડા બાર તોલાના 6 સોનાના ચેઇન ચોરી કર્યાના બનાવમાં ડાહીબેનની ફરિયાદના આધારે પીએસઆઇ એમ. વી. મોઢાડિયા તથા સ્ટાફે સઘન ગુનો નોંધી મહિલા તસ્કર ગેંગની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.


