જામનગર શહેરના કિશાન ચોક વિસ્તારમાં રહેતાં વૃદ્ધાને પછાડી દીધા હોવાની ખાર રાખી ત્રણ શખ્સોએ સગાભાઇ અને તેના પુત્ર ઉપર ધોકા વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના કિશાન ચોક વિસ્તારમાં કબિર આશ્રમ પાસેના હીરાસરવાસમાં રહેતાં દિનેશ ગિરધર માતંગ નામના યુવકના દાદી પડી ગયા હતાં. આ બાબતે દિનેશના કાકા જયેશ ખેરાજ માતંગ, વિજય જયેશ માતંગ, ભાવેશ જયેશ માતંગ (રહે. ક્રિષ્ના પાર્ક સોસાયટી, ન્યૂ પટેલ કોલોની) નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી દીવાળીના દિવસે સવારના સમયે દિનેશના ઘર પાસે આવી દિનેશના ભાઇ કલ્પેશને બહાર બોલાવ્યો હતો. ત્યારબાદ ત્રણેય શખ્સોએ, “તમે દાદીમાને પછાડી દીધાં છે.” તેમ કહી જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી. તે દરમ્યાન દિનેશ તથા તેના પિતા ગિરધરભાઇ, જયેશ સહિતનાઓને સમજાવવા જતાં ઉશ્કેરાયેલા પિતા અને બે પુત્રોએ લાકડાના ધોકા વડે કલ્પેશ તથા ગિરધરભાઇ હુમલો કરી ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. દિનેશ ઉપર પણ હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આમ, ત્રણ શખ્સોએ પિતા અને બે પુત્રો ઉપર હુમલો કરી ઇજા પહોંચાડી બધાને મારવાની ધમકી આપી હતી.
હુમલાના બનાવ બાદ ઇજાગ્રસ્ત પિતા અને બે પુત્રોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે હે.કો. એમ. આર. પરમાર તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


