કાલાવડ તાલુકાના ડુંગરાળી દેવરીયા ગામમાં વીજ કરંટ લાગવાથી દંપતિ સહિત ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા હતાં. આ કરૂણાંતીકાથી ગામમાં શોકનો માહોલ છવાયો હતો. પોલીસ દ્વારા મૃતદેહોને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ડુંગરાળી દેવરીયા ગામે રવજીભાઇ જેશાભાઇ રોલાના વાળા મકાનમાં તેઓ તેમના પત્ની તથા અન્ય શ્રમીક સાથે કમોસમી વરસાદના પગલે મગફળીના ભુસાને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરી રહ્યા હતાં ત્યારે મકાનના વાડામાં મગફળીનો ભુસો ભરવાનું કામ કરતા હોય ત્યારે ગઇકાલે સોમવારે બપોરના સમયે લોખંડના પતરાના માડવામાં વીજ વાયર તુટીને પડતા રવજીભાઇ જેશાભાઇ રોલા (ઉ.વ.65), સવીતા રવજીભાઇ રોલા (ઉ.વ.60) નામના દંપતિ તથા બુઘ્ધાભાઇ ધીરૂભાઇ વાજેલીયા નામના 22 વર્ષના યુવાનને જોરદાર વીજ કરંટ લાગતા ત્રણેયનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું.
View this post on Instagram
આ બનાવને પગલે આજુબાજુના લોકો દોડી ગયા હતાં. આ ઘટનાની મનીષભાઇ રવજીભાઇ રોલા દ્વારા પોલીસને જાણ કરતા કાલાવડના પીએસઆઇ આર.બી. ઠાકોર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દંપતિ સહિત ત્રણ શ્રમીકોના મૃત્યુથી ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.


