દિવાળી એટલે વર્ષાઅંતનો છેલ્લો દિવસ. રાત્રીના 8 કલાકે સુવર્ણ વાઘામાં (કપડામાં) સજ્જ કાળિયા ઠાકોરને પણ હાટડી ભરવામાં આવે છે. હાટડી દર્શન સમયે ભગવાન ભક્તોને ત્રાજવા તોલા થી સુખ અને સમૃદ્ધિની લ્હાણી કરતા હોવાની માન્યતા છે.
દીપાવલી આવે એટલે ભગવાન દ્વારકાધીશના જગત મંદિરમાં વિવિધ ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે દ્વારકાધીશ ભગવાનને પૂજારી પરિવાર દ્વારા સુવર્ણ વાઘામાં સજ્જ કરી સોના દાગીનાના ખાસ મુગટ પહેરાવવામાં આવે છે. જગત મંદિરને રોશનીથી ઝળહળા કરવામાં આવે છે ત્યારે દિવાળીના રોજ રાત્રીના 8 વાગ્યે હાટડી ભરવામાં આવે છે. ભગવાન પોતે વેપારી હોય તેવા ભાવ સાથે હાટડીમાં ભગવાનને વિવિધ મીઠાઈઓ પકવાનો ધરવામાં આવે છે. અને ભગવાન પાસે સોના ચાંદીના ત્રાજવા તોલા પણ રાખી આ હાટડી ભરવામાં આવે છે.
આ હાટડી દર્શન માટે સ્થાનિક વેપારીઓ અને અન્ય શ્રદ્ધાળુઓ ખાસ દર્શન માટે આવે છે. અને ભગવાન આ ત્રાજવા- તોલામાંથી સુખ અને સમૃદ્ધિની વહેંચણી માનવીના કર્મોને આધારે કરતા હોવાની માન્યતા છે. ત્યારે પ્રવાસીઓનો મોટો પ્રવાહ પણ દ્વારકાના જગત મંદિર તરફ થવા પામ્યો હતો. દ્વારકા જગત મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. ત્યારે દ્વારકા ઉપરાંત પ્રવાસીઓ બેટ દ્વારકા દર્શનને અચૂક જાય છે. સાથે નાગેશ્વર અને અંતે અડધી યાત્રાના માલિક એવા દ્વારકાથી 3 કી.મી. દૂર રૂક્ષ્મણી માતાના મંદિરે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ દર્શન કરવાનો લાભ લે છે. દ્વારકાધીશ જગત મંદિરમાં વિવિધ ઉત્સવોની પાછળ કંઈકને કંઈક મર્મ છુપાયો હોય, પૂજારી પરિવારો દ્વારા ભગવાન ના શૃંગાર, ઉત્સવો મુજબ કરવામાં કદીયે કોઈ કચાશ રાખતા નથી.
આ દિવાળીના તહેવારો સારા નીવડે તેવી વેપારીઓની મનોકામના છે. દ્વારકાની મોટાભાગની હોટલો, દુકાનો સુંદર લાઇટીંગ વડે શણગારવામાં આવ્યા હતા.
View this post on Instagram
કપડા માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ સુરત શહેરના દશ પ્રખ્યાત કારીગરોએ ટીસ્યુ કાપડમાંથી બનાવેલ જરદોશી વર્કવાળા વાઘા બેસતા વર્ષના દ્વારકાધીશને અંગીકાર કરવામાં આવશે. સુરતના સગરામપુરા માં છાપઘર શેરીમાં રહેતા 67 વર્ષીય હેમંતભાઈ છાપઘર તથા તેમના દશ કારીગરોએ નવ દિવસમાં આકર્ષક વાઘા તૈયાર કર્યા હતા. આ અગાઉ પણ જન્માષ્ટમી સમયે પણ હેમંતભાઈ દ્વારા વાઘા તૈયાર કરવામાં આવ્યા હતા.


