જામનગર શહેરના અંબર ચોકડી પાસે ગત્રાત્રિના સમયે પસાર થતી કારના ચાલકે બે લોકોને ઠોકર મારતા વિફરેલા લોકોએ કારચાલકને ઢીબી નાખ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી અને ઘવાયેલા કારચાલકને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ગત્રાત્રિના સમયે અંબર ચોકડી ઓવરબ્રીજ નીચેથી પસાર થતી જીજે10-ડીજે-8808 નંબરની અલ્ટો કારના ચાલકે રોડ પરના બે વ્યક્તિઓને ઠોકરે ચઢાવતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં. કારચાલક સામાન્ય સ્થિતિમાં ન જણાતા ઉશ્કેરાયેલા લોકોએ કારચાલકને ઢીબી નાખ્યો હતો. રાત્રિના સમયે રોડ પર બનેલી ઘટનાના કારણે ટ્રાફિકજામ થઇ ગયો હતો. જો કે, ગણતરીના સમયમાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને તે પહેલાં ઉશ્કેરાયેલા લોકોએ કારમાં પણ તોડફોડ કરી હતી. પોલીસ દ્વારા ઘવાયેલા કારચાલકને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે વાહનવ્યવહાર પૂર્વવત્ કરાવ્યો હતો. કારચાલકે હડફેટ લીધેલા બે વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. હિટ એન્ડ રનના આ બનાવમાં પોલીસે ઘવાયેલા કારચાલક વિરૂધ્ધ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી.


