જામનગર શહેરની સીમાનું વિસ્તરણ થયા બાદ વસ્તી અને વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો છે. જો કે, આ સારી બાબત છે, પરંતુ સીમાના વિસ્તરણ પછી સુવિધા અને સુરક્ષા માટે પણ તંત્રએ ગંભીરતાથી વિચારીને લાંબા ગાળાનું આયોજન કરવું ફરજિયાત અને જવાબદારીપૂર્વકનું બની જાય છે. આમ તો જામનગર શહેરમાં દરરોજ અનેક મુખ્ય રાજમાર્ગો પર ટ્રાફિકજામની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઇ છે. જેવા કે, પંડિત નહેરુ માર્ગ, રણજિત રોડ, ખંભાળિયા રોડ, બેડી ગેઇટ રોડ, ગુરૂદ્વારા ચોકડી, અંબર ટોકિઝ ચોકડી, શાક માર્કેટ, ચાંદીબજાર રાજમાર્ગો પર ટ્રાફિકજામ રોજિંદુ બની ગયું છે. તેમજ શહેરના રહેણાંક અને વ્યવસાયિક સંકુલોમાં પણ પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાં વાહનચાલકો હંમેશા પોતાના વાહન બહાર જ રોડ પર પાર્ક કરતા હોય છે. જેના કારણે ટ્રાફિક સમસ્યામાં વધારો થાય છે. વકરતી જતી અને દરરોજ વધતી જતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે પોલીસ વિભાગ કે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા લાંબા ગાળાનું કોઇપણ આયોજન કરવામાં આવ્યું નથી. પાર્કિંગ પોલિસી બનાવ્યા બાદ પણ આ પોલિસીની અમલવારી ભગવાન જાણે કયારે કરવામાં આવશે?!! તેમાં પણ આ સમસ્યામાં ટ્રાફિક પોલીસના જવાનો તેમની ફરજમાં બેદરકારી દાખવી ઉત્તરોત્તર સમસ્યામાં વધારો જ કરે છે.
‘છોટીકાશી’ તરીકે પ્રખ્યાત એવા જામનગરમાં વર્ષોથી ટ્રાફિક સમસ્યા હતી ત્યાંને ત્યાં જ રહી છે. આ સમસ્યાનું નિરાકરણ થવાને બદલે વધુ વકરતી જાય છે. હાલ દિવાળીના તહેવાર પૂર્વે શહેરના મુખ્ય રાજમાર્ગો પર ટ્રાફિકજામ કલાકો સુધી અને દરરોજ જોવા મળશે. આ પહેલાં પણ શહેરના મુખ્ય રાજમાર્ગોમાં સ્કૂલો છૂટવાના સમયે તેમજ જામનગર નજીક આવેલી ખાનગી કંપનીઓની શિફ્ટ પૂરી થયા બાદ કર્મચારીઓને લઇ જતાં મોટા વાહનો પસાર થવાના સમયે આશરે દોઢથી બે કલાક જેટલો સમય સમર્પણ સર્કલ પાસે ટ્રાફિક જામ રહેતો હોય છે. આવી ટ્રાફિક સમસ્યા વચ્ચે દિવાળીના સપરમા તહેવારમાં ટ્રાફિક પોલીસ દ્વારા રાત્રિના સમયે ચેકિંગ કરવામાં આવે છે. જે સારી બાબત છે પણ દિવસ દરમ્યાન મુખ્ય રાજમાર્ગો પર અવારનવાર સર્જાતા ટ્રાફિકજામ સમયે ટ્રાફિક પોલીસ તેની ફરજ બજાવવામાં ઉણી ઉતરે છે અને મોટાભાગના ટ્રાફિક પોઇન્ટ પરનો વાહન વ્યવહાર વાહનચાલકો ઉપર જ ચાલતો હોય છે. કેમ કે, ફરજ પરના જવાનો હંમેશા રોડની સાઇડમાં બેસીને પોતાના મોબાઇલમાં મશગૂલ જોવા મળે છે. તેમને તો મોબાઇલ જ સર્વસ્વ છે. ટ્રાફિકજામ સાથે કોઇ લેવાદેવા ન હોય તે રીતે ફરજ બજાવતા હોય છે!!

દિવાળીના તહેવાર દરમ્યાન શહેરના દરેક માર્ગો પર ટ્રાફિકની અવરજવર રોજિંદા ટ્રાફિક કરતાં વધી જવાની હોય, પરંતુ આ ટ્રાફિકને સતત ચાલુ રાખવા માટે ટ્રાફિક પોલીસે નિષ્ઠાપૂર્વક બજાવવી જોઇએ. કેમ કે, તહેવારમાં દરેક માર્ગો ઉપર ટ્રાફિકજામ થતો જ હોય છે. પરંતુ પોલીસ તેની ફરજ બજાવવામાં ગાફેલ રહે છે. આમ તો શહેરના અમુક મુખ્ય માર્ગો પર 365 દિવસ ટ્રાફિકજામ સામાન્ય બાબત બની ગઇ છે. ત્યારે પોલીસ દ્વારા દિવાળી સમયે રાત્રિના ચેકિંગ કામગીરી વધુ તેજ કરવામાં આવી છે. પરંતુ દિવસ દરમ્યાન થતાં ટ્રાફિકજામને અટકાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવતી નથી! જે બાબત વિચારવાલાયક છે. ટ્રાફિક પોલીસની કામગીરી તહેવારલક્ષી હોય તેવું જણાઇ રહ્યું છે. કેમ કે, તહેવારો પૂર્વે ચેકિંગ અને નાઇટ ડ્રાઇવ યોજવામાં આવે છે. પરંતુ દરરોજની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવતું નથી. ઉલ્લેખનિય બાબત એ છે કે, દરબારગઢથી બર્ધન ચોક જવાના માર્ગ પર મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા કડક અને સતત કાર્યવાહી તથા તાત્કાલિક પોલીસચોકી ઉભી કરી આ રસ્તા પર પથારાવાળાઓને ખસેડી રસ્તો કાયમી ધોરણે ચોખ્ખો કરવામાં આવ્યો હતો. પરંતુ આ પ્રસંશનીય કામગીરી માત્ર થોડા સમય પૂરતી જ રહેવા પામી હતી. હવે આ રસ્તે ફરીથી વર્ષોજૂની સમસ્યા જેમની તેમ બની ગઇ છે.


