જામનગર તાલુકાના બાડા ગામમાં વર્ષોથી પરંપરાગત કળાને જીવંત રાખી એક આગવી ઓળખ ઉભી કરવામાં આવી છે. ગામના દિપક નાથા ઈડરીયા અને તેમની ટીમ દ્વારા દર વર્ષે દિવાળી તહેવારને અનુલક્ષીને વિશાળ પાયે માટીના દિવળા બનાવવાનું કાર્ય સતત ચાલુ રહે છે.
દિવાળીના પર્વ પર જેની ખુબ માંગ રહે છે એવા આ માટીના દિવળા દરેક ઘરમાં અને મંદિરમાં ધરી પ્રકાશ ફેલાવે છે. દિવાળી દરમિયાન દરેક ઘર, દુકાન અને મંદિરમાં આ પરંપરાગત માટીના દીવડા શોભે છે. જે અંધકાર પર વિજય અને પ્રકાશના પર્વનું પ્રતિક છે.
બાડા ગામના આ હસ્તકલા કલાકારો માટે દીવડા બનાવવું માત્ર રોજગાર નથી, પરંતુ પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખવાનો સંકલ્પ છે. આ કાર્યમાં 11 જેટલા કુશળ કલાકારો વર્ષભર જોડાયેલા રહે છે અને બારેમાસ 12 મહિનાની મહેનત કારીગરો કામ કરતા હોય છે. દિવાળી માટે ખાસ આવા માટીના દિવાળાઓની માંગ રહે છે.
દીવડા બનાવવામાં ઉપયોગમાં લેવાતી વિશેષ લાલ માટી મોરબીમાંથી ખાસ મંગાવવામાં આવે છે, જે દીવડાને ચમકદાર અને ટકાઉ બનાવે છે. ઉત્પાદન પ્રક્રિયામાં આધુનિક સાધનોનો ઉપયોગ થાય છે. જેમાં 10 હેન્ડપ્રેસ મશીનો અને 1 હાઈડ્રોલિક મશીનનો સમાવેશ થાય છે. આ મશીનોની મદદથી દરરોજ હજારો દીવડા તૈયાર કરવામાં આવે છે.
માત્ર ચાર દિવસના સમયગાળામાં આશરે 40 હજાર દીવડા તૈયાર કરવામાં આવે છે. તૈયાર થયેલા આ દીવડારનો પુરવઠો માત્ર જામનગર અને આસપાસના વિસ્તારોમાં જ નહીં, પરંતુ સુરત, અમદાવાદ, એમ.પી., યુ.પી., મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં કરવામાં આવે છે.
દિપક ઈડરીયા જણાવે છે કે, નવી પેઢી આ કળાને શીખી રહી છે જેથી બાડા ગામની ઓળખ અને આ પરંપરા આવનારા વર્ષોમાં પણ અવિરત રહે. આ હસ્તકલા સ્થાનિક સ્તરે રોજગારી પૂરું પાડે છે અને મેડ ઈન જામનગર તરીકે બાડા ગામનુ નામ ભારતભરમાં પ્રખ્યાત થયુ છે.
દિવાળી તહેવારની ઉજવણીમાં પ્રકાશ ફેલાવતા આ માટીના દીવડા આજે બાડા ગામના કલાકારોની મહેનત, કળા અને સમર્પણનું પ્રતિબિંબ બની સમગ્ર દેશમાં ચમકી રહ્યા છે.


