જોડિયા તાલુકાના બોડકા તથા જીરાગઢ ગામમાં રહેતા બે વયોવૃદ્ધ મહિલાને મદ્યરાત્રિના સમયે ઘરમાં ઘૂસી ધમકી આપીને દાગીના લૂંટી લેનાર મહિલા સહિતની ત્રિપૂટીને એલસીબીએ ગણતરીના દિવસોમાં જ પકડીને પાંજરે પૂરી દીધી છે.
આ બનાવની વિગત મુજબ ગત્ તા. 08ના મદ્યરાત્રિના સમયે જોડિયા તાલુકાના જીરાગઢ ગામમાં રહેતાં રંભાબેન પરબતભાઇ ચોટલિયા (ઉ.વ.80) નામના વૃદ્ધા તેના ઘરે નિદ્રાધિન હતા ત્યારે એક મહિલા અને બે પુરૂષો સહિતની ત્રિપૂટીએ ઘરમાં ઘૂસી વૃદ્ધાને ટાર્ગેટ બનાવી કાનમાં પહેરેલી રૂા. 24 હજારની કિંમતની સોનાની છ ગ્રામ વજનની બે બુટીની લૂંટ ચલાવી હતી. તથા તા. 11ના રોજ જોડિયા તાલુકાના જ બોડકા ગામમાં સતી માતાજીના મંદિરની બાજુમાં રહેતાં જશવંતીબેન જગદિશભાઇ ગડારા (ઉ.વ. 80) નામના વૃદ્ધા મદ્યરાત્રિના એક વાગ્યાના અરસામાં તેના ઘરે સૂતા હતા ત્યારે મહિલા અને બે પુરૂષ સહિતની ત્રિપૂટીએ ત્રાટકીને વૃદ્ધાએ કાનમાં પહેરેલી દસ ગ્રામ વજનની રૂા. 40 હજારની કિંમતની બે સોનાની બુટી, ખાટલામાં ઓશિકા નીચે રાખેલી રૂા. સાત હજારની રોકડ રકમ મળી કુલ રૂા. 47 હજારની માલમત્તા લૂંટી ગયાના બનાવથી જોડિયા પંથકમાં હાહાકાર મચી ગયો હતો.
View this post on Instagram
દરમ્યાન આ લૂંટારૂ ટોળકી અંગેની અજયભાઇ વીરડા, ભયપાલસિંહ જાડેજા, સુમિતભાઇ શિયારને મળેલી સંયુક્ત બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.
એલસીબીની ટીમે બાતમી મુજબની મહિલા અને બે પુરૂષની ત્રિપૂટીને ઝડપી લઇ હુસેનાબેન ઉર્ફે આશાબેન ઉર્ફે હસીનાબેન અશોક દાના કટારિયા (ઉ.વ.26, રહે. પીઠડ, તા. જોડિયા), સિકંદર ઉર્ફે કારો મુરાદ સોઢા (ઉ.વ.19, રહે. જીરાગઢ, જોડિયા), અલ્પેશ દાના કાનાણી (ઉ.વ.20) (ધંધો શાકભાજી વેચાણ, રહે. સાબરકાંઠા) નામના ત્રણ શખ્સો અને એક કિશોર સહિતની ચંડાળ ચોકડીને ઝડપી લઇ તેમની પાસેથી રૂા. 64 હજારની કિંમતની 16 ગ્રામ વજનની ચાર નંગ સોનાની બુટી, રૂા. 5 હજારની કિંમતનો મોબાઇલ ફોન, રૂા. 7 હજારની રોકડ રકમ મળી કુલ રૂા. 76 હજારનો મુદામાલ કબ્જે કરી લૂંટારૂ ટોળકીની વધુ પૂછપરછ હાથ ધરી હતી.


