સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હી ગયા હતા. ત્રણેય નેતાઓએ વડાપ્રધાન મોદી સાથે મેરેથોન બેઠક કર્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે આ ત્રણેય નેતાોને પોતાના ઘરે જમવા માટે બોલાવ્યા હતા. આજે સવારે ત્રણેય નેતઆો પરત આવી ગયા બાદ એક વાત નિશ્ચિત મનાઈ રહી છે કે, હવે 16મીના રોજ એટલે કે અગિયારસના પવિત્ર દિવસ જ- મંત્રીમંડળનુ વિસ્તરણ થઈ જશે. આમ છત્તા હાલના વિધાનસભાના સ્પીકર અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ તથા પૂર્વ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના મુદ્દે હજુ કેટલીક અવઢવ હોવાની ચર્ચા છે. આજ રાત સુધીમાં મંત્રીમંડળની ફાઈનલ યાદીને તૈયાર કરી દેવાશે.
રાજ્યના મંત્રીમંડળમાં દિવાળી પહેલા એટલે કે 16મી ઓક્ટોબરે વિસ્તરણ થાય તેવી શક્યતાઓ છે. 15મી ઓક્ટોબરે રાજ્યમાં ચાલી રહેલી વિકાસ સપ્તાહની ઉજવણી બાદ આ વિસ્તરણ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ મંત્રીમંડળમાં કેટલાક નવા ચહેરાઓને સ્થાન મળવાની શક્યતા છે. ભાજપ સંગઠન અને સરકારના ઉચ્ચ સ્તરે ચાલી રહેલી ચર્ચાઓ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારમાં પ્રદેશના વિવિધ વર્ગો અને વિસ્તારોનું પ્રતિનિધિત્વ વધારવાનો પણ પ્રયાસ કરવામાં આવશે. ત્રો અનુસાર, હાલના કેટલાક મંત્રીઓના વિભાગોમાં પણ ફેરફાર થવાની સંભાવના છે. નવી નિયુક્તિઓ અને વિભાગ પરિવર્તન દ્વારા સરકારની કામગીરીને વધુ વેગ આપવાનો ભાજપનો પ્રયાસ છે.
ચર્ચા મુજબ કેબિનેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિમંત્રી રાઘવજી પટેલ, પાણીપુરવઠામંત્રી કુંવરજી બાવળિયા, ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, પ્રવાસનમંત્રી મૂળુભાઈ બેરા, શિક્ષણમંત્રી કુબેર ડિંડોર અને સામાજિક ન્યાય અને અધિકારિતામંત્રી ભાનુબેન બાબરિયાનું મંત્રીપદ છિનવાઈ શકે છે.
મંત્રીમંડળમાંથી કોને પડતા મૂકવા અને કોને સ્થાન આપવું એનો નિર્ણય માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જ કરતા હોય છે, પરંતુ હાલની સ્થિતિ જોતાં એવી અટકળો થઈ રહી છે કે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાનારી મ્યુનિસિપલ કોર્પોરેશનની તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીને તેમજ 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને પસંદગી કરાશે. એમાં એગ્રેસિવ થઈને લડનારા તેમજ પાટીદારોને ભાજપથી વિમુખ થતા અટકાવી શકે તેવા સક્ષમ અને યુવાન અને સારી ઈમેજવાળા ઉમેદવારોને તક અપાશે. પોતાની જ્ઞાતિ તેમજ વિસ્તાર પર સંપૂર્ણ પ્રભુત્વ હોય તેવા નેતાની પ્રથમ પસંદગી કરાશે. ઉપરાંત પ્રદેશ અને જ્ઞાતિ જાતિનુ પણ વિશેષ ધ્યાન રખાશે. આવા નેતાઓમાં જયેશ રાદડિયા, હાલના વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી, રાજકોટના ઉદય કાનગડ, વેજલપુરના અમિત ઠાકર, એલિસબ્રિજના અમિત પોપટલાલ શાહ, ભાવનગરના હીરા સોલંકી, અમરેલીના મહેશ કસવાલા, કૌશિક વેકરિયા, દક્ષિણ ગુજરાતના સંદીપ દેસાઈ, સંગીતા પાટીલ, જામનગરનાં રીવાબા જાડેજા અને પોરબંદરના અર્જુન મોઢવાડિયા અને માંડવી-કચ્છના અનિરુદ્ધ દવે તથા નડિયાદના પંકજ દેસાઈનો સમાવેશ થઈ શકે છે. જ્યારે બદલાયેલી સ્થિતિમાં કોંગ્રેસમાંથી આવેલા અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને સી.જે. ચાવડાની વિચારણા પણ કરી શકાય છે.


