જામનગર-લાલપુર બાયપાસ રોડ પર આવેલી સોસાયટીમાં રહેતાં વૃદ્ધા નિંદ્રાધિન હતા ત્યારે મધ્યરાત્રિના ઘરમાં ઘૂસેલા હથિયારધારી લૂંટારૂઓએ વૃદ્ધાને હથિયાર બતાવી, “આટલ જ વાર લાગશે…” તેમ કહી કાનમાં પહેરેલ સોનાની બુટીઓની લૂંટ ચલાવી હતી. ત્યારબાદ આ વિસ્તારમાં એકસાથે આઠ-આઠ મકાનોના તાળાં તોડી પોલીસને પડકાર ફેંકતા હોય તેમ ચોરીનો પ્રયાસ અને લૂંટના બનાવથી ફફડાટ ફેલાઇ ગયો છે.
દિવાળીના તહેવારને આડે ગણતરીના દિવસો છે ત્યારે તસ્કરો અને લૂંટારૂઓએ પોલીસને કામગીરી ઉપર અનેક સવાલો ઉભા કરતા હોય તેમ જામનગર-સમાણા રોડ પર ગત્ મધ્યરાત્રિના પોણા ચાર વાગ્યાના અરસામાં લાલપુર બાયપાસ પાસેની જે. જે. જશોદાનાથ સોસાયટી-2માં રહેતાં પ્રફૂલ્લભાલ લખમણભાઇ ભાડજા નામના વેપારી યુવાનના માતા શનિવારે મદ્યરાત્રિના સમયે નિદ્રાધિન હતા ત્યારે બે અજાણ્યા લૂંટારૂઓ મકાનનો દરવાજો ટપી અંદર પ્રવેશ્યા હતા. પાર્કિંગ પાસેના રૂમનો દરવાજો ખખડાવતાં વૃદ્ધાએ દરવાજો ખોલતા બન્ને લૂંટારૂઓએ વૃદ્ધાને ધક્કો મારી પછાડી દીધા હતા. બે પૈકીના એક શખ્સે પોતાના હાથમાં રહેલું હથિયાર વૃદ્ધાને બતાવી, “આટલી જ વાર લાગશે…” તેમ કહી પગમાં ઇજા પહોંચાડી હતી અને ત્યારબાદ વૃદ્ધાએ કાનમાં પહેરેલી રૂા. 50 હજારની કિંમતની સોનાની દસ ગ્રામની બુટીની લૂંટ ચલાવી, શરીરે મુઢ ઇજા પહોંચાડી રાત્રિના અંધારામાં ઓગળી ગયા હતા.
View this post on Instagram
ત્યારબાદ વૃદ્ધાએ બૂમાબૂમ કરી હતી. વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. દરમ્યાન લૂંટ કરીને નાશી ગયેલા લૂંટારૂઓ કે અન્ય તસ્કરોએ આજુબાજુના વિસ્તારમાં એક પછી એક આઠ મકાનના તાળાં તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. બનાવની જાણના આધારે એએસપી પ્રતિભા તથા પીએસાઆઇ એચ. વી. રોયલા તથા સ્ટાફ ઘટના સ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો. જ્યાં તપાસ આરંભી વૃદ્ધાના પુત્ર તથા ચોરીનો પ્રયાસ કરેલા મકાનમાલિકોના નિવેદનો લઇ આગળની તપાસ આરંભી હતી.


