રાજ્યના મહાનગરોમાં દિવાળીના તહેવાર પહેલા ફટાકડાના વેપારીઓ સામે જીએસટી વિભાગ દ્વારા તાબડતોબ પગલાં લેવામાં આવ્યા છે. જામનગર, સુરત અને અમદાવાદ શહેરોમાં જીએસટી ટીમ દ્વારા એકસાથે દરોડા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
દિવાળી પહેલાં રાજ્યના જીએસટી વિભાગ દ્વારા ફટાકડાના વિક્રેતાઓ અને વેપારીઓને ત્યાં જીએસટી સંદર્ભે મોટી ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામા આવી છે. જેમાં ફટાકડાનું ઉત્પાદન કરતા અને જથ્થાબંધ વેચાણ કરતા મોટા વેપારીઓના ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. દિવાળી પહેલા ફટાકડાનું વેચાણ તેજ બનતા અનેક વેપારીઓ દ્વારા બિનહિસાબી વ્યવહાર થતો હોવાની શંકા વચ્ચે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જીએસટીની ટીમે વિવિધ દસ્તાવેજો અને ખાતાવહીની તપાસ શરૂ કરી છે. કેટલીક જગ્યાએ રોકડ રકમ અને બિલ વિના વેચાણ અંગે પણ તાગ મળી આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ફટાકડાના વેપારમાં દર વર્ષે કરોડો રૂપિયાનો વ્યવહાર થતો હોય છે, જેના કારણે તહેવાર પહેલા જીએસટી વિભાગ સક્રિય બન્યો છે.
જામનગર શહેરમાં ફટાકડાના જથ્થાબંધ વેપારીઓના ગોદામ અને દુકાનો પર તપાસ ચાલી રહી છે. ટીમ દ્વારા બિલ, સ્ટોક અને જીએસટી રિટર્નની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીથી અન્ય વેપારીઓમાં પણ હલચલ મચી ગઈ છે.


