જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આજથી તા. 17 ઓક્ટોબર સુધી શરૂ થયેલા સ્વદેશી મેળા શોપિંગ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને “વોકલ ફોર લોકલ” ના અભિગમને પ્રોત્સાહન આપવા તથા સ્થાનિક ઉત્પાદકો, કલાકારો, ઉદ્યોગકારો અને વેપારીઓને સહયોગ મળે તે હેતુસર આ મેળાનું આયોજન કરાયું છે.
આ પ્રસંગે જામનગરની ધારાસભ્ય રિવાબા રવિન્દ્ર જાડેજાએ મેળાની મુલાકાત લીધી હતી. તેમણે વિવિધ સ્ટોલની મુલાકાત લઈને સ્ટોલ ધારકો સાથે સંવાદ સાધ્યો અને તેમની મહેનતની પ્રશંસા કરી. તેમણે સ્વયં પણ કેટલાક સ્ટોલ પરથી વસ્તુઓની ખરીદી કરીને સ્થાનિક ઉત્પાદનો પ્રત્યે લોકોમાં આત્મવિશ્વાસ વધારવાનો સંદેશ આપ્યો.
રિવાબા જાડેજાએ નાગરિકોને અપીલ કરી હતી કે, “દિવાળીના તહેવારમાં શક્ય તેટલું સ્વદેશી વસ્તુઓની ખરીદી કરી સ્થાનિક કલાકારો, સ્વ સહાય જૂથો અને નાના વેપારીઓને પ્રોત્સાહન આપો.” તેમણે ઉમેર્યું કે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ આપણા દેશની આર્થિક સ્વાવલંબન તરફનું મહત્વનું પગલું છે.
આ મેળામાં સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત જોડાયેલા લાભાર્થીઓના સ્ટોલ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પીએમ જેએવાય યોજનાના 44 સ્વ સહાય જૂથના સ્ટોલ, પીએમ સ્વનિધિ યોજનાના 24 ફૂડ સ્ટોલ તેમજ હેન્ડીક્રાફ્ટ અને હેન્ડમેઇડ આઇટમના 11 જેટલા સ્ટોલ કાર્યરત છે. આ પ્રસંગે ધારાસભ્ય રિવાબા જાડેજા સાથે શાસક પક્ષના નેતા આશિષ જોષી, વોર્ડ નંબર 3ના કોર્પોરેટર સુભાષ જોષી અને પરાગ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે 10 થી 17 ઓક્ટોબર સુધી ચાલનારો આ સ્વદેશી મેળો સ્થાનિક ઉદ્યોગ અને કારીગરોને પ્રોત્સાહન આપવાનો અનોખો પ્રયત્ન બની રહ્યો છે.


