જામનગર મહાનગરપાલિકા નાગરિકોને વધુ સગવડ અને આધુનિક સુવિધા મળે તે માટે સતત નવીન પ્રયાસો કરતી આવી છે. નાગરિકોને ઘરઆંગણે જ વિવિધ સેવાઓ ડિજિટલ માધ્યમથી ઉપલબ્ધ થાય તે હેતુસર 15મી ઓગસ્ટના રોજ WhatsApp આધારિત એઆઈ સર્વિસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સર્વિસ દ્વારા નાગરિકોને હવે માત્ર એક વોટસઅપ નંબર મારફતે અનેક સેવાઓનો લાભ મળશે.
આ નવી ડિજિટલ સર્વિસ દ્વારા નાગરિકોને મિલકત વેરા, વોટર ટેક્સ અને પ્રોફેશન ટેક્સની વિગતો તથા બિલની નોટિસો સીધી વોટસઅપ પર જ પ્રાપ્ત થશે. સાથે જ મહાનગરપાલિકાની વિવિધ શાખાઓમાં જરૂરી થતા પ્રમાણપત્રો તથા રજીસ્ટ્રેશન સંબંધિત દસ્તાવેજો પણ આ માધ્યમ દ્વારા સરળતાથી મેળવી શકાશે. નાગરિકોને પોતાની સમસ્યાઓ અને ફરિયાદો પણ વોટસઅપ નંબર પર જ નોંધાવવાની સગવડ મળશે, જે સીધી મહાનગરપાલિકાના સંબંધિત વિભાગ સુધી પહોંચશે અને તેનો ઝડપી તથા પારદર્શક ઉકેલ મળી શકશે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદાન કરાયેલી આ સર્વિસ દ્વારા મિલકત વેરાની નોટિસો હવે કાગળ પર નહીં પરંતુ ડિજિટલ માધ્યમથી સીધી મોબાઈલ પર જ ઉપલબ્ધ થશે. આથી નાગરિકોને બિલ માટે ઓફિસ સુધી જવાની જરૂર રહેશે નહીં અને સમય તેમજ મહેનત બંનેની બચત થશે.
નાણાંકીય વર્ષ 2025-26 માટેની કમ્પ્યુટરાઈઝ્ડ મિલકત વેરાની આકારણી ધી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ-1949 ના નિયમો મુજબ તૈયાર કરવામાં આવી છે. આ આકારણીની વિગત મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઈટ www.mcjamnagar.com પર મુકવામાં આવી છે. જનરલ બોર્ડના ઠરાવ ક્રમાંક 111 તા. 19/02/2025 મુજબ સોલિડ વેસ્ટ કલેક્શન ચાર્જ, એન્વાયર્નમેન્ટ ઈમ્પ્રુવમેન્ટ/ગ્રીનરી ચાર્જ, સ્ટ્રીટ લાઈટ યુસેજ ચાર્જ તથા વોટર ચાર્જીસમાં વધારો કરવામાં આવ્યો છે. તે મુજબ આ નાણાંકીય વર્ષ માટેના મિલકત વેરા અને અન્ય ચાર્જીસના બિલો તૈયાર કરી બજવણી હાથ ધરવામાં આવી છે.
ભારત સરકારના ડિજિટલ ભારત અભિયાન અંતર્ગત હવે બિલોની બજવણી વોટસઅપ ચેટ-બોટ દ્વારા કરવામાં આવશે. મિલકત વેરા શાખામાં નોંધાયેલા મોબાઈલ નંબર પર બિલો મોકલવામાં આવશે, જે કાયદેસર રીતે માન્ય ગણાશે. જો કોઈ મિલકતધારકનો મોબાઈલ નંબર મિલકત વેરા શાખામાં નોંધાયેલો ન હોય તો તે જામનગર મહાનગરપાલિકાના વોટસઅપ ચેટ-બોટ નંબર 94265 24365 પર HI લખી તરત જ પોતાનો નંબર રજીસ્ટર કરાવી શકશે. બિલ મેળવવા માટે મિલકતનો નવો એસેસી નંબર પણ ચેટ-બોટ દ્વારા ખાતરી કરાવવો જરૂરી રહેશે.
ડિજિટલ સુવિધાનો ઉપયોગ ન કરતા નાગરિકો માટે રૂબરૂ બિલ મહાનગરપાલિકાની મિલકત વેરા શાખામાંથી મેળવી શકાય છે અથવા અધિકૃત વેબસાઈટ પરથી ડાઉનલોડ પણ કરી શકાય છે. જામનગર મહાનગરપાલિકા નાગરિકોને અપીલ કરે છે કે વોટસઅપ આધારિત આ નવી સર્વિસનો વ્યાપક ઉપયોગ કરી પોતાના મોબાઈલ નંબર રજીસ્ટર કરાવી સમયસર બિલ પ્રાપ્ત કરો, બાકી રહેલા વેરા ભરપાઈ કરો અને ડિજિટલ ગુજરાત – ડિજિટલ ભારતના સપના સાકાર કરવામાં સહભાગી બનો.


