જામનગર નજીક આવેલું વિશ્વપ્રસિદ્ધ ખીજડિયા પક્ષી અભયારણ્ય આજથી પક્ષીપ્રેમી અને પ્રવાસીઓ માટે ફરી ખુલ્લું મુકવામાં આવ્યું છે. ચાર મહિના સુધીના વેકેશન બાદ કુદરતના આ મનમોહક આંગણે ફરી પક્ષીઓના કલરવથી ચહલપહલ છવાઈ ગઈ છે.મરીને નેશનલ પાર્ક હેઠળ આવતા આ પ્રસિદ્ધ અભયારણ્યમાં 100થી વધુ સ્થાનિક અને યાયાવર પ્રજાતિના પક્ષીઓના દર્શન પ્રવાસીઓને માણવા મળશે. દર વર્ષે ઠંડીના મોસમમાં ભારત સહિત વિશ્વના અલગ-અલગ ખંડોમાંથી અનેક પ્રજાતિના પક્ષીઓ અહીં આવતા હોવાથી ખીજડિયા પક્ષી અભયારણ્ય દેશ-વિદેશના પક્ષીપ્રેમીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બને છે. ઉલ્લેખનિય છે કે ખીજડિયા પક્ષી અભયારણ્ય એ એવું એકમાત્ર સ્થાન છે જ્યાં ખારા અને મીઠા પાણીના પક્ષીઓ એકસાથે જોવા મળે છે, જે તેને અનોખું વેટલેન્ડ ઇકોસિસ્ટમ બનાવે છે. અહીંના તળાવો, વૃક્ષો અને કુદરતી સૌંદર્ય પક્ષીઓ માટે આદર્શ નિવાસસ્થાન પૂરું પાડે છે. જેના પરિણામે દુનિયાના ખૂણેખૂણેથી પક્ષીઓ ખીજડીયા આવે છે. પ્રવાસીઓ માટે માર્ગદર્શક સુવિધા, વોચટાવર, ઈન્ટરપ્રિટેશન સેન્ટર અને બર્ડ વોચિંગ માટેના સ્પોટ્સ ફરીથી તૈયાર કરાયા છે. જામનગરના પર્યાવરણપ્રેમી વર્તુળોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે આજ થી કુદરતપ્રેમીઓ ફરી એકવાર આ મનોહર પક્ષીધામની સફરનો આનંદ માણી શકશે. દર વર્ષે ચોમાસા દરમિયાન પક્ષીઓના સંવર્ધન અને સુરક્ષા માટે ચાર મહિના આ અભ્યારણ્ય બંધ રાખવામાં આવે છે. ત્યારે આજથી જ પક્ષી-પ્રેમીઓ અને પ્રવાસીઓ માટે ખીજડીયા પક્ષી અભ્યારણય ખુલ્લું મુકવામાં આવ્યું છે.
View this post on Instagram


