જામનગરમાં સરૂ સેકશન રોડ પર જાહેરમાં ચાર શખ્સોએ યુવક ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના ગાંધીનગર, મોમાઇનગર શેરી નંબર ત્રણમાં રહેતા યશપાલસિંહ ભરતસિંહ જાડેજા (ઉ.વ.23) નામનો યુવક સોમવારે રાત્રિના સમયે સરૂ સેકશન રોડ પર શો-રૂમની બહાર ઉભો હતો ત્યારે હાર્દિકસિંહ ઉર્ફે રાજો સોઢા, જયરાજસિંહ સોઢા અને બે અજાણ્યા સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી યશપાલસિંહ ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી ગાળાગાળી કરી હતી. ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી યશપાલસિંહના ભાઇને ફોન કરી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે હે.કો. એસ. એ. મકવા તથા સ્ટાફએ ઇજાગ્રસ્તના નિવેદનના આધારે ચાર શખ્સ વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


