જામનગર શહેરના ભીલવાસ વિસ્તારમાં ત્રણ-ચાર દિવસ પહેલાં થયેલી બોલાચાલી અને ઝઘડામાં સમાધાન બાદ ચાર શખ્સોએ જૂની અદાવતનો ખાર રાખી યુવક અને તેના પરિવારજનો ઉપર પાઇપ, ધોકા વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના દિગ્જામ સર્કલ પાસે આવેલા ભીલવાસમાં રહેતાં નિરજ ઉર્ફે સોનુ ધીરૂભાઇ પરમાર નામના મજૂર યુવકનો ભાઇ આકાશ અને તેના માસીનો પુત્ર ગુરૂભાઇ જેન્તીભાઇ પરમાર બન્ને યુવકો ચારેક દિવસ પહેલાં રાત્રિના સમયે ઘરે જતા હતા ત્યારે નશો કરેલી હાલતમાં સોસાયટીમાં બેસેલા શખ્સોએ આકાશે દારૂ પીને સોસાયટીમાં આવવું નહીં તેમ જણાવતાં શખ્સો સાથે ઝઘડો અને બોલાચાલી થયા હતા. ત્યારબાદ સમાજની રૂએ સમાધાન પણ થઇ ગયું હતું.
ત્યારબાદ શનિવારે રાત્રિના સમયે શ્યામસિંહ ઉર્ફે ઘનો ધીરૂભા જાડેજા, દેવેન્દ્રસિંહ ધીરૂભા જાડેજા, ભૂરો વિકકી ઉર્ફે ગોપાલ કાપડિયા અને નિલેશ ઉર્ફે નિલિયો મુકેશ અઘેરા નામના ચાર શખ્સોએ જૂની અદાવતનો ખાર રાખી નીરજ ઉર્ફે સોનુ પરમારના ઘરે જઇ ગાળો કાઢી હતી. નિરજ પર લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા વડે હુમલો કરતાં નિરજે રાડારાડી કરતાં તેના સાસુ-સસરા બહાર આવી ગયા હતા. ત્યારે ચારેય શખ્સોએ નિરજને મારી નાખવાની ધમકી આપી નાશી ગયા હતા. ત્યારબાદ ઘવાયેલા નિરજને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં બનાવની જાણના આધારે એએસઆઇ ટી. કે. ચાવડા તથા સ્ટાફે નિરજના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


