જામનગર શહેરમાં જડેશ્વર પાર્ક રોડ પર સપ્તાહ પૂર્વે સાંજના સમયે રસ્તો ક્રોસ કરવા જતાં વૃદ્ધને રોંગ સાઇડમાં પુરઝડપે બેફિકરાઇથી આવી રહેલા અજાણ્યા બાઇકચાલકે ઠોકરે ચઢાવી પછાડી દેતાં વૃદ્ધને માથામાં ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમ્યાન મોત નિપજયાના બનાવમાં પોલીસે બાઇકચાલકની શોધખોળ આરંભી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર શહેરના રણજિતસાગર રોડ પર આવેલા નંદનવન પાર્ક-2માં પ્લોટ નંબર 94/8માં રહેતાં રસિકલાલ અમૃતલાલ ખાખરિયા (ઉ.વ.73) નામના વૃદ્ધ ગત્ તા. 30ના રોજ સાંજના સાત વાગ્યાના અરસામાં તેના ઘર પાસે નવા 80 ફુટ રોડ પર દિવ્યમ કોમ્પલેક્ષ નજીક જડેશ્વર પાર્ક રોડ પરથી ચાલીને રસ્તો ઓળંગતા હતા ત્યારે રોંગ સાઇડમાં પુરપાટ અને બેફિકરાઇથી આવી રહેલા બાઇક ચાલકે વૃદ્ધને સાઇડમાંથી ઠોકર મારી પછાડી દેતા વૃદ્ધ પટકાયા હતા. જેના કારણે વૃદ્ધને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ બાઇકચાલક નાશી ગયો હતો. ત્યારબાદ ઘવાયેલા વૃદ્ધને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન શનિવારે મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.
આ બનાવ અંગેની મૃતકના પુત્ર નિલેશભાઇ ખાખરિયા દ્વારા જાણ કરાતા હે.કો. એમ. જી. જાડેજા તથા સ્ટાફએ હોસ્પિટલ દોડી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી અકસ્માત સર્જી નાશી ગયેલા બાઇકચાલકની ભાળ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.


