ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ વર્ષ 2024માં શરૂ થયું હતું સંગઠન પર્વ અંતર્ગત ગુજરાતમાં 500થી વધુ મંડળ પ્રમુખો, 200થી વધુ તાલુકા પ્રમુખો, જિલ્લા પંચાયત અને 8 મહાનગરપાલિકાના પ્રમુખોની રચના થઇ ચૂકી હતી. ત્યારબાદ ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષની નિમણુક બાકી હતી. જેને લઇ ભાજપાના કાર્યકરો સહિત રાજ્યભરના લોકોમાં આતુરતા જોવા મળી રહી હતી. પ્રદેશ ભાજપ પ્રમુખનો તાજ કોના શિરે જાય છે તેને લઇ ચાલી રહેલ અટકળોનો અંત આવ્યો છે. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્ર્વકર્માએ દાવેદારી નોંધાવી છે અને તેઓના શિરે આ તાજ નિશ્ર્ચિત જ મનાઇ રહ્યો છે. માત્ર વિધીવત જાહેરાત જ બાકી છે હાલમાં ગુજરાત સહિત દેશમાં લગભગ 20 જેટલા રાજ્યોમાં ભાજપા અથવા ભાજપાના સાથી પક્ષો સાથેના ગઠબંધન સરકાર છે તેમજ કેન્દ્રમાં પણ હાલ ભાજપાની સરકાર છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે સંભાળી ચૂકેલ હોદેદારોની યાદી ઉપર નજર કરીએ તો…
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખો અને તેમનો સમયગાળો
1. એ.કે. પટેલ

- 1 જુલાઇ 1931 ના રોજ જન્મેલા અમૃતલાલ કાલીદાસ પટેલ (એ.કે. પટેલ) વર્ષ 1982થી વર્ષ 1985 સુધી એટલે કે ત્રણ વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી ચૂકયા છે.
2. શંકરસિંહ વાઘેલા

- 21 જુલાઇ 1940ના રોજ જન્મેલા શંકરસિંહ વાઘેલા વર્ષ 1985 થી 1993 સુધી એટલે કે આઠ વર્ષ સુધી ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ રહી ચૂકયા છે.
3. કાશીરામ રાણા

- 7 એપ્રિલ 1938 ના રોજ સુરતમાં જન્મેલા કાશીરામ રાણા પણ વર્ષ 1993થી વર્ષ 1996 સુધી ત્રણ વર્ષ માટે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખનું સુકાન સંભાળી ચૂકયા છે. વર્ષ 2012માં તેમનું નિધન થયું હતું.
4. વજુભાઇ વાળા

- રાજ્યપાલ સહિતની મહત્વની જવાબદારીઓ નિભાવનાર અને રાજકોટમાં 23 જાન્યુઆરી 1937ના રોજ જન્મેલા વજુભાઇ વાળા વર્ષ 1996થી વર્ષ 1998 બે વર્ષ માટે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી ચૂકયા છે.
5. રાજેન્દ્રસિંહ રાણા

- ભાવનગરમાં 22 મે 1956ના રોજ જન્મેલા અને લોકસભાના સાંસદ રહી ચૂકેલા રાજેન્દ્રસિંહ રાણા વર્ષ 1998થી વર્ષ 2005 સાત વર્ષ માટે ભાજપા ગુજરાત પ્રદેશ પ્રમુખ રહ્યા હતાં.
6. વજુભાઇ વાળા

- વર્ષ 1996થી 1998ના બે વર્ષ માટે ગુજરાત ભાજપ પ્રદેશ અઘ્યક્ષની જવાબદારી સંભાળનાર વજુભાઇ વાળાને તા.29 મે 2005ના રોજ ફરી એક વખત ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી. આ ટર્મ દરમિયાન તેઓ 29 મે 2005થી 26 ઓકટોબર 2006 સુધી એટલે કે એક વર્ષ અને 150 દિવસ સુધી ફરી એક વખત મહત્વની જવાબદારી સંભાળી હતી.
7. પરસોતમભાઇ રૂપાલા

- હાલ રાજકોટથી સાંસદ તરીકેનું પ્રતિનિધિત્વ કરતા પરસોતમભાઇ રૂપાલા 26 ઓકટોમ્બર 2006થી તા.1 ફેબ્રુઆરી 2010 સુધીમાં ત્રણ વર્ષ 98 દિવસ માટે ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષની જવાબદારી સંભાળી ચૂકયા છે.
8. આર.સી. ફળદુ

- જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્યની સાથે સાથે મંત્રી પદે રહી ચૂકેલા અને કાલાવડમાં તા.1 ઓગસ્ટ 1957માં જન્મેલા આર.સી. ફળદુ (રણછોડભાઇ ચનાભાઇ ફળદુ) 1 ફેબ્રુઆરી 2010થી 19 ફેબ્રુઆરી 2016 સુધી એટલે કે 6 વર્ષ 18 દિવસ સુધી ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ રહી ચૂકયા છે.
9. વિજય રૂપાણી

- વર્ષ 2025માં અમદાવાદની ગોઝારી વિમાન દુઘર્ટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષનું સુકાન સંભાળી ચૂકયા છે. તેઓ 19 ફેબ્રુઆરી 2016થી 10 ઓગસ્ટ 2016 સુધી 173 દિવસ આ જવાબદારી સંભાળી હતી.
10. જીતુ વાઘાણી

- ગુજરાતના મંત્રી તરીકેની જવાબદારી નિભાવનાર અને 11 સપ્ટેમ્બર 1970ના રોજ જન્મેલા જીતુભાઇ વાઘાણી 10 ઓગસ્ટ 2016થી 20 જુલાઇ 2020 સુધી એટલે કે 3 વર્ષ 345 દિવસ સુધી ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખનું સુકાન સંભાળી ચૂકયા છે.
11. સી.આર. પાટીલ

- હાલની કેન્દ્ર સરકારમાં ભાજપાના મંત્રી તરીકે જવાબદારી સંભાળતા 16 માર્ચ 1955ના રોજ જન્મેલા સી.આર. પાટીલ (ચંદ્રકાન્ત રઘુનાથ પાટીલ) હાલમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે કાર્યરત છે. તેઓ 20 જુલાઇ 2020થી આજ દિવસ સુધી ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે.


