ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખનો તાજ જગદીશ વિશ્ર્વકર્માના શિરે જવા જઇ રહ્યો છે આજે તેમણે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે ઉમેદવારી પત્ર ભર્યુ હતું ત્યારે આગામી પ્રદેશ ભાજપ પ્રમુખની રાજકીય સફળ ઉપર નજર કરીએ.
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચુંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો હતો જેમાં આજે અમદાવાદની નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્ર્વકર્માએ પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે દાવેદારી નોંધાવી પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યુ હતું. આ તકે તેમની સાથે તેમના ટેકેદારો પણ ઉપસ્થિત રહ્યા હતાં. ગુજરાત ભાજપમાં અમદાવાદનો દબદબો જોવા મળશે હાલ રાજ્યના મુખ્યમંત્રી બાદ હવે ગુજરાત ભાજપ અઘ્યક્ષ પણ અમદાવાદના છે. તા.12 ઓગસ્ટ 1973ના રોજ અમદાવાદ ખાતે જન્મેલા જગદીશ વિશ્ર્વકર્મા એસવાયબીએ, એમબીએ ઇન માર્કેટીંગનો અભ્યાસ કરી ચુકયા છે. તેઓ ટેકસસ્ટાઇલ મશીનરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમજ વાંચન, સ્વીમીંગ, બેડમીન્ટન અને સમાજ સેવાનું શોખ ધરાવે છે.
સ્વચ્છ અને ર્નિવિવાદીત છબી ધરાવતા જગદીશ વિશ્ર્વકર્મા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે. તેઓ વર્ષ 1998માં સૌપ્રથમ વખત બુથ ઇન્ચાર્જ તરીકેનો મહત્વનો હોદો સંભાળ્યો હતો. તેમજ અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી પણ સંભાળી ચૂકયા છે. ગુજરાત ઓબીસી સમાજમાં કદાવર નેતા એવા જગદીશ વિશ્ર્વકર્માની ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે નિમણુક થવા જઇ રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વખત ઓબીસી સમાજને મહત્વની જવાબદારીનું પદ સોંપ્યું છે.
જગદીશ વિશ્ર્વકર્મા વર્ષ 2012 અમદાવાદમાં નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચુંટાયા હતાં. ત્યારબાદ વર્ષ 2017માં ફરી વખત તેઓ નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચુંટાયા હતાં. વર્ષ 2021માં 16 સપ્ટેમ્બરથી જગદીશ વિશ્ર્વકર્માને વન અને પર્યાવરણ મંત્રી રાજ્યકક્ષાનો હવાલો તરીકે નિમણુક કરવામાં આવી હતી. આમ ભારતીય જનતા પાર્ટીમાં ત્રીજા ઓબીસી જ્ઞાતિના પ્રદેશ પ્રમુખ બનવા જઇ રહ્યા છે.


