જામનગર તાલુકાના ધુતારપર પીઠડિયા રોડ પર ખારાવેઢા ગામના પાટિયા પાસે ગુરૂવારે સાંજે બે બાઇક સામસામી ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માતમાં બન્ને બાઇકના ચાલકનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના પીઠડીયા ગામથી રમેશભાઇ કાબાભાઇ દોમડીયા (ઉ.વ.56) નામના પ્રૌઢ ગુરૂવારે સાંજના 7 વાગ્યાના અરસામાં તેના જીજે10 એસ 9445 નંબરના બાઇક પર બજરંગપુર ગામ તરફ આવતા હતાં ત્યારે ખારાવેઢા ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે સામેથી પુરપાટ બેફિકરાઇથી આવી રહેલા જીજે16 બીએફ 1627 નંબરના ચાલકે પ્રૌઢના બાઇક સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પ્રૌઢ રમેશભાઇને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. તેમજ સામેના બાઇક ચાલક બિશનસિંગ શંકરભાઇ અજનાર તથા ચાર વર્ષની બાળકીને આ અકસ્માતમાં શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
View this post on Instagram
જ્યાં સારવાર દરમિયાન રમેશભાઇ કાબાભાઇ દોમડીયા નામના પ્રૌઢ તથા સામેના બાઇક ચાલક બિશનસિંગ અજનાર નામના બન્ને વ્યકિતઓનું મોત નિપજ્યાંનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. તેમજ બાળકીને ગંભીર ઇજા પહોંચી હોય બાળકીને સારવાર હેઠળ રાખવામાં આવી હતી. આ બનાવ અંગેની મૃતક પ્રૌઢના ભાઇ ભરતભાઇ દ્વારા જાણ કરાતા પીએસઆઇ એ.આર. પરમાર તથા સ્ટાફ હોસ્પિટલે અને બનાવ સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બન્ને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી બિશનસિંગ નામના બાઇક ચાલક વિરૂઘ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


