Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરધ્રોલના યુવાન સાથે પર્સનલ લોનના નામે 2.40 લાખની છેતરપિંડી

ધ્રોલના યુવાન સાથે પર્સનલ લોનના નામે 2.40 લાખની છેતરપિંડી

નેકનામના શખ્સે ચાર મહિનામાં છેતરપિંડી આચરી : 20 દિવસમાં લોન અપાવવાની લાલચ આપી રૂા. 2,40,950 ખંખેરી લીધાં

ધ્રોલ ગામમાં રહેતા અને ડ્રાઇવિંગકામ કરતાં યુવાનને પર્સનલ લોન લેવી હોય જેથી નેકનામના વ્યક્તિનો સંપર્ક થયા બાદ શખ્સે 20 દિવસમાં લોન અપાવી દેવાના બહાને યુવાન પાસેથી કટકે કટકે રૂા. 2,40,950 પડાવી લીધાના બનાવમાં પોલીસે વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ધ્રોલમાં પટેલસમાજની વાડી સામે, ગોદડિયાવાસ વિસ્તારમાં વસવાટ કરતો અને ડ્રાઇવિંગનું કામ કરતો ભૂપતભાઇ રણછોડભાઇ મકવાણા નામના 32 વર્ષનો યુવાનને પર્સનલ લોન લેવી હતી. આ લોન માટે પડધરી તાલુકાના નેકનામ ગામમાં રહેતાં ધમભા ઝાલા નામના વ્યક્તિ સાથે સંપર્કમાં આવ્યો હતો. ધમભાએ યુવાનને પર્સનલ લોન 20 દિવસમાં આપવાની લાલચ આપી લોનના કાગળો કમ્પલીટ કરવા માટે જુદા જુદા બહાના હેઠળ માર્ચથી જૂન સુધીના સમય દરમ્યાન રૂા. 80,950નું ઓનલાઇન ટ્રાન્જેક્શન કરાવી પડાવી લીધા હતા. તેમજ રૂા. 1,60,000 કટકે કટકે રોકડા યુવાન પાસેથી કઢાવી લીધા હતાં. આમ, ચાર મહિનાના સમય દરમ્યાન યુવાન પાસેથી કુલ રૂા. 2,40,950ની રકમ પડાવી લીધી હતી. આટલી રકમ આપ્યા છતાં પર્સનલ લોન મંજૂર નહીં થવાથી ભૂપતભાઇએ પૈસાની માંગણી કરી હતી. પરંતુ ધમભા પૈસા પરત આપવામાં ઠાગાઠૈયા કરતો હતો.

આખરે કંટાળીને ભૂપતભાઇએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં રૂા. 2.40 લાખની છેતરપિંડી અને વિશ્ર્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એએસઆઇ ડી. જે. ગાગિયા તથા સ્ટાફએ આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular