Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરસરગમ નવરાત્રી મહોત્સવમાં 142 દિકરીઓના ગરબા નિહાળતા મહાનુભાવો

સરગમ નવરાત્રી મહોત્સવમાં 142 દિકરીઓના ગરબા નિહાળતા મહાનુભાવો

સાંસદ, કેબીનેટમંત્રી, કલેકટર, શહેર ભાજપ પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી દિકરીઓનું સન્માન કરી આયોજકોની મહેનતને બિરદાવી : સાંસદ પૂનમબેન માડમ દ્વારા વોકલ ફોર લોકલનો સંદેશ

શક્તિની આરાધનાના પર્વ નવરાત્રી દરમિયાન જામનગરના આંગણે લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ’સરગમ નવરાત્રી મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેણે શહેરીજનોમાં અનેરું આકર્ષણ જમાવ્યું છે. આ મહોત્સવની વિશેષતા એ છે કે અહીં સાક્ષાત જગદંબા સ્વરૂપ 142 દીકરીઓ સંપૂર્ણ પારંપરિક રીતે ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરી રહી છે, ત્યારે આ અનોખા આયોજનને બિરદાવવા અને દીકરીઓને પ્રોત્સાહિત કરવા રાજકીય અને વહીવટી ક્ષેત્રના મહાનુભાવોએ સતત હાજરી આપી હતી. ગત આઠમા નોરતે, જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ, જામનગર-78ના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, શહેરના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નીલેષભાઈ કગથરા સહિતના અગ્રણીઓએ સરગમ નવરાત્રી મહોત્સવની પાવન ભૂમિ પર પધરામણી કરી હતી. આ તમામ મહાનુભાવોએ અત્યંત શ્રદ્ધાપૂર્વક દીકરીઓના ગરબા નિહાળ્યા હતા અને આયોજનથી અત્યંત પ્રભાવિત થયા હતા.

- Advertisement -

આ તકે સાંસદ પૂનમબેન માડમે પોતાના વક્તવ્યમાં લોટસ ચેરિટેબલ ટ્રસ્ટની બહુમુખી પ્રવૃત્તિઓની સરાહના કરતાં જણાવ્યું હતું કે, “લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માત્ર સાંસ્કૃતિક જ નહીં, પરંતુ અનેક સામાજિક કાર્યો પણ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી રહ્યા છે, જે ખરેખર પ્રશંસનીય છે.” તેમણે વધુમાં, પ્રધાનમંત્રીના ’વોકલ ફોર લોકલ’ના મંત્રને આગળ ધપાવતા જામનગરની જનતાને સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરવા માટે વિશેષ આગ્રહ કર્યો હતો અને જણાવ્યું કે આપણે સૌએ સાથે મળીને આપણા સ્થાનિક કારીગરો અને ઉત્પાદકોને પ્રોત્સાહન આપવું જોઈએ. તેમણે સરકાર દ્વારા જીએસટી ટેક્સમાં કરવામાં આવેલા ઘટાડાનો લાભ પ્રજાને મળે તે માટે પણ ખાસ અનુરોધ કર્યો હતો. વર્ષોથી ચાલી આવતી પરંપરા અને આપણી સંસ્કૃતિને જાળવી રાખીને ’સરગમ નવરાત્રી’નું જે સુંદર અને શિસ્તબદ્ધ આયોજન કરવામાં આવ્યું છે, તેની હું સાક્ષી રહી છું તેમ જણાવી તેમણે ઘર-પરિવારની જવાબદારીઓની સાથે સાથે આટલી સખત મહેનત કરનાર લોટસ ચેરિટેબલ ટ્રસ્ટના સમગ્ર આયોજક મંડળને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા અને અંતમાં સાક્ષાત જગદંબા સ્વરૂપ દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે લાણી આપી તેમની કલાને બિરદાવી હતી.

આ પૂર્વે, ગત શનિવારે છઠ્ઠા નોરતે પણ ’સરગમ નવરાત્રી’ના પટાંગણમાં મહાનુભાવોનો મેળાવડો જામ્યો હતો. ગુજરાત રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા જામનગર જિલ્લા કલેક્ટર કેતનભાઈ ઠક્કરએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. તેમણે પણ આયોજન સ્થળની મુલાકાત લઈ ગરબાની રમઝટ નિહાળી હતી. કલેક્ટરએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ આપણી સંસ્કૃતિને જાળવી રાખવાનું ઉમદા કાર્ય કરી રહ્યું છે અને લોકોને આ પ્રકારના કાર્યોમાં મદદરૂપ થવા માટે આહવાન કર્યું હતું. તેમણે એમ પણ નોંધ્યું હતું કે જામનગરમાં સૌથી શિસ્તબદ્ધ અને વિશાળ જનમેદની જો કોઈ નવરાત્રી આયોજનમાં જોવા મળતી હોય, તો તે ’સરગમ નવરાત્રી’ છે. આમ, રાજકીય અગ્રણીઓથી લઈને વહીવટી અધિકારીઓ સુધીના મહાનુભાવોની હાજરી અને પ્રશંસાએ લોટસ ચેરિટેબલ ટ્રસ્ટના આયોજકોના ઉત્સાહને બમણો કરી દીધો છે અને જામનગરની સાંસ્કૃતિક વિરાસતને વધુ ઉજાગર કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular