જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતી પ્રેમિકાને તેના ઘરે પ્રેમી મળવા આવ્યો હતો. ત્યારે કોઇએ ઘરનો દરવાજો બહારથી બંધ કરી દીધા બાદ પ્રેમી યુવાનને પાંચ શખ્સોએ ધોકા વડે માર મારી, “ફરીથી મળવા આવ્યો તો પતાવી દઇશું.” તેમ ધમકી આપી, બાઇકમાં નુકશાન પહોંચાડયાના બનાવમાં પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતી પરિણીતા માનસીબાને ગજેન્દ્રસિંહ દિલીપસિંહ સાથે પ્રેમસંબંધ હોય અને ગજેન્દ્રસિંહને તેની પ્રેમિકાએ ફોન કરીને ઘરે મળવા બોલાવ્યો હતો. ત્યારે પ્રેમી અને પ્રેમિકા બન્ને ઘરમાં હતા ત્યારે તે સમયે કોઇએ બહારથી ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. ત્યારબાદ નરેન્દ્રસિંહ પ્રવીણસિંહ રાયજાદા, દિવ્યરાજસિંહ જેઠવા, જનકસિંહ, દિવ્યરાજસિંહ જાડેજા અને જયપાલસિંહ રાણા નામના પાંચ શખ્સોએ ગજેન્દ્રસિંહ ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો. તેમજ પટા વડે શરીરે માર મારી મુંઢ ઇજા પહોંચાડી હતી. ઉપરાંત નરેન્દ્રસિંહએ, “તું મારી પત્ની માનસીબાને મળવા આવીશ તો તને જાનથી મારી નાખીશ.” તેવી ધમકી આપી હતી. આ ઉપરાંત ગજેન્દ્રસિંહની જીજે10-ડીએલ-7033 નંબરની બાઇકમાં નુકશાન પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવમાં ઇજાગ્રસ્ત ગજેન્દ્રસિંહ દ્વારા જાણ કરતા હે.કો. ડી. આઇ. ચૌધરી તથા સ્ટાફ દ્વારા પાંચ શખ્સો વિરૂઘ્ધ હુમલો તથા ધમકી અંગે ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.


