દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક આસામીને શેરબજારમાં કરોડો રૂપિયાના પ્રોફિટની લાલચ આપીને તેમની સાથે થયેલી રૂપિયા 41.07 લાખની છેતરપિંડીના કેસમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે મધ્યપ્રદેશ ખાતે રહેતા બે શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આ મામા-ભાણેજ પાસેથી પોલીસે કુલ રૂપિયા 6.91 લાખની રોકડ રકમ કબજે લીધી છે.
આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં રહેતા એક આસામીને આજથી આશરે દસેક માસ પૂર્વે સોશિયલ મીડિયા સાઇટ્સ ફેસબુક પરની એક જાહેરાતમાં શેરબજારમાં સો ટકા નફો મેળવવાની લાલચ આપતા મેસેજ અને સર્ટિફિકેટ આવતા તેમણે આ બાબતમાં રસ દાખવી અને રોકાણ કરતા આ આસામીને પોતાની પ્રોફાઇલમાં બે કરોડનો પ્રોફિટ દર્શાવવામાં આવ્યો હતો. પરંતુ યેનકેન પ્રકારે આ વેબસાઈટ ચલાવતા આસામીઓએ તેમની પાસેથી રૂ. 41,07,998ની રકમ મેળવી લઈ અને છેતરપિંડી આચરવામાં આવતા આ સમગ્ર પ્રકરણ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસમાં ઇન્ફોર્મેશન એક્ટ તેમજ બીએનએસની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ મથકના પી.આઈ. વી.કે. કોઠીયા તેમજ તેમની ટીમ દ્વારા નોંધપાત્ર કાર્યવાહી કરી અને આ સાયબર ફ્રોડ અંગે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસના આધારે મૂળ મધ્યપ્રદેશ રાજ્યના રતલામ તાલુકાના પંકજ ઉર્ફે પિયુષ ભરતભાઈ રાઠોર તેલી (ઉ.વ. 24) અને રતલામ તાલુકાના રામગઢ ગામના મૂળ રહીશ એવા બસંત રામરતન સોલંકી તેલી (ઉ.વ. 51) નામના બે શખ્સોને ઝડપી લીધા હતા.
રીક્ષા ડ્રાઇવિંગ કામ કરતા બસંત રામરતન અને મજૂરી કામ કરતા તેના ભાણેજ એવા પંકજ ઉર્ફે પિયુષ રાઠોર પાસેથી પોલીસે રૂ. 6.91 લાખની રોકડ રકમ ઉપરાંત રૂ. 50,000ની કિંમતનું એક લેપટોપ અને રૂ. 6700ની કિંમતના સાત નંગ મોબાઈલ ફોન, રાઉટર, લેન્ડલાઈન ટેલીફોન, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને બે સીમકાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કરી, આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યવાહી સાયબર ક્રાઇમ પોલીસ મથકના પી.આઈ. વી.કે. કોઠીયા સાથે સ્ટાફના એસ. વી. કાંબલીયા, હેભાભાઈ ચાવડા, ભરતભાઈ ચાવડા, ધરણાંતભાઈ બંધીયા, સાજણભાઈ સુવા, અજયભાઈ વાઘેલા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
સોશિયલ મીડિયાની વિવિધ સાઇટ્સમાં આવતી શેર ટ્રેડિંગ તેમજ ઇન્વેસ્ટમેન્ટ અને રોકાણના બમણી રકમના વળતરની લાલચ આપતી જાહેરાતો પર વિશ્વાસ ન કરી અને કોઈપણ વ્યક્તિ સાથે નાણાકીય લેવડદેવડથી છેતરપિંડી થવાની સંભાવના હોય, આવી ચેનલો તેમજ સોશિયલ મીડિયા સાઇટ્સ અને લોભામણી જાહેર પર વિશ્ર્વાસ ન કરવા તેમજ સાયબર ફ્રોડનો ભોગ બન્યે સાયબર ક્રાઇમના પોર્ટલ અથવા 1930 નંબર પર કે નજીકના સાયબર ક્રાઇમ પોલીસ મથકનો સંપર્ક સાધવા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળા દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.


