જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બેરાજા ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ અને તેમના સાથીદાર લાંચ લેતા એ.સી.બી.ની ટીમ દ્વારા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. ખાણમા પંચાયત તરફથી હેરાનગતિના કરવા માટે પોણા લાખની લાંચ માંગી હતી. જે લેતા બન્ને આરોપી એ. સી. બી. ની ટીમના બાથે ઝડપાયા હતા.
માહિતી મુજબ, ભલસાણ-બેરાજા ગામે રહેતા એક વ્યક્તિ બેલાની ખાણ લીઝ પર ચલાવતા હતા. ખાણના વ્યવસાય દરમ્યાન બેરાજા ગ્રામ પંચાયત કચેરી તરફથી કોઈ પ્રકારની ખોટી હેરાનગતિ ન થાય તે માટે બેરાજા ગામ પંચાયતના મહિલા સરપંચના પતિ દિનેશ તેજા જેપારે સત્તાનો દુરુપયોગ કરીને લાંચની માંગણી કરી હતી.
દિનેશ તેજાભાઇ જેપારે પોતે પંચાયતનો વહિવટ સંભાળતા હોવાનો દાવો કરી ફરીયાદી પાસે રૂપિયા 75,000ની લાંચ માગી હતી. આ રકમ પોતાની પાસે ન લઈને પોતાના વતી હમીર દેવરાજ સોલંકીને આપવાનું જણાવ્યું હતું.
એ.સી.બી. જામનગર યુનિટે માહિતીના આધારે ટ્રેપ ગોઠવ્યો હતો. જામનગર-કાલાવડ રોડ પર માટલી પાટીયા ગામ નજીક હાઇવે પર ગોઠવાયેલ આ ટ્રેપ દરમ્યાન, દિનેશ જેપારે ફરીયાદી સાથે વાતચીત કરી લાંચની રકમ હમીર સોલંકીને આપવા જણાવ્યું હતું. ત્યારબાદ હમીર દેવરાજ સોલંકીએ રૂપિયા 75,000ની લાંચ સ્વીકારી લેતા રાજકોટ મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના માર્ગદર્શન હેઠળ જામનગર એસીબી પીઆઇ આર.એન. વિરાણી તથા સ્ટાફે રંગ હાથ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


