જામનગર શહેરના ગાંધીનગરમાં મોમાઇનગર ખાતે રહેતા અને કર્મકાંડ કરતો વિપ્ર યુવાન ધ્રાફા ગામમાં મંદિરમાં સેવા-પૂજા દરમ્યાન વાયર ખેંચવાથી વીજશોક લાગતાં બેશુદ્ધ બની જતાં મોત નિપજયાના બનાવમાં મોતનું ચોક્કસ કારણ ન જણાતાં વિસેરા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
બનાવની વિગત મુજબ જામનગર શહેરના ગાંધીનગરમાં આવેલા મોમાઇનગર શેરી નંબર એકમાં રહેતો સંજયભાઇ પ્રવીણભાઇ ભટ્ટ (ઉ.વ. 47) નામનો યુવાન ગત્ તા. 14 ઓગષ્ટ 2025ના રોજ તેમના ભાઇ અને માતા-પિતા સાથે જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં વતને ગયો હતો. જ્યાં સત્યનારાયણ ભગવાનના મંદિરમાં સેવાપૂજા કરતા હતા. ત્યારે મંદિરમાં ઇલેકટ્રીક વાયરીંગ ન હોવાથી તેના ભાઇ બ્રિજેશને મંદિરના વાયરીંગ ખેંચવામાં મદદ કરતી વેળાએ ધુ્રજારી આવતા અચાનક બેશુદ્ધ થઇ ઢળી પડતાં સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ યુવાનનું સાઇલન્ટ એટેકથી મોત થયાનું પ્રાથમિક તારણમાં જાહેર કર્યું હતું. તેના પીએમમાં પણ મોતનું કોઇ ચોક્કસ કારણ જણાતું ન હોવાથી મૃતક યુવાનના વિસેરા પૃથકકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ અંગેની મૃતકના ભાઇ બ્રિજેશ દ્વારા જાણ કરાતા હે.કો. બી. પી. જાડેજા તથા સ્ટાફએ આગળની તપાસ હાથ ધરી હતી.


