યાત્રાધામ દ્વારકામાં આવેલા પવિત્ર એવા ગોમતી નદી પાસેના ગોમતીઘાટ વિસ્તારમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે અને ગોમતી નદીમાં આસ્થાભેર ડૂબકી લગાવે છે. જ્યારે ગોમતી ઘાટ ખાતે યાત્રિકો પોતાના મોબાઈલ કે પર્સ જેવી ચીજ વસ્તુઓ રાખતા હોય છે, ત્યારે આવી ચીજ વસ્તુઓ સેરવી જતા શખ્સો સામે પોલીસે તપાસ આદરી અને આ પ્રકરણમાં ચોરી કરતી મહારાષ્ટ્રની ચડ્ડી બનિયાનધારી ગેંગના ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.
દ્વારકાના પી.આઈ. આકાશ બારસિયાની સુચના મુજબ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ નિશીતભાઈ પરમાર અને ભરતસિંહ માણેકને મળેલી બાતમીના આધારે વોચ રાખી, અને મહારાષ્ટ્ર રાજ્યના વિનોદ હિરામણ શેલકે (ઉ.વ. 37), ઇન્દ્રજીત પવન પરમાર (ઉ.વ. 34), ગણેશ અંબર મરાઠી (ઉ.વ. 34) અને લખન ઉર્ફે શેખર કનૈયાલાલ ગૌડ (ઉ.વ. 47) નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.
આ પ્રકરણમાં પોલીસે મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ રૂ. 17,000નો મુદ્દામાલ કબજે કરી, આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.


