જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં વહેલીસવારે અજાણ્યા શખ્સોએ તિક્ષણ હથિયાર વડે યુવાન ઉપર હુમલો કરી હત્યા નિપજાવ્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી હત્યારાઓની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
View this post on Instagram
હત્યાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના લાલવાડી વિસ્તારમાં આજે વહેલી સવારે એક યુવાનનો હત્યા નિપજાવેલો મૃતદેહ મળી આવ્યાની જાણ થતાં ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતિભાની સૂચનાથી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, સિટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એન. એ. ચાવડા તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી મૃતદહેનો કબ્જો સંભાળી ઓળખ મેળવતાં મૃતક યુવાન અખ્તર રફિક ખીરા (ઉ.વ.35)નો હોવાનું ખુલ્યું હતું. જેના આધારે પોલીસે મૃતદેહને જી. જી. હોસ્પિટલમાં પીએમ માટે મોકલ્યો હતો. ત્યારબાદ તપાસ હાથ ધરતાં મૃતક યુવાનની આજે વહેલી સવારે અજાણ્યા શખ્સો દ્વારા કોઇ તિક્ષણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી ઢીમ ઢાળી દેવાયું હતું. હત્યા પૈસાની લેતીદેતી અથવા તો રિક્ષાની બાબતે કરવામાં આવી હોવાની આશંકાએ પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદનના આધારે ગેરેજ સંચાલક યુવાનની હત્યાનો ગુનો નોંધવા અને હત્યારાઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


